
અમે કોઈને બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસમાં કેટલાક નેતાઓ ગુંગડામણ અનુભવતા હોવાથી પાર્ટી છોડી રહ્યાં છેઃ ઋષિકેશ પટેલ
અમદાવાદઃ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દરમિયાન રાજ્યના કેબિનિટ પ્રધાન અને ભાજપના સિનિયર નેતા ઋષિકેશ પટેલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરીને કહ્યું હતું કે, અમે કોઈને બોલાવતા નથી. આ ઉપરાંત તેમણે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપા ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત સરકારના કેબિનિટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ તમામ રાજ્યોમાંથી પોતાના વીંટા વાળી રહી છે રાજ્યમાં પણ એ દિશામાં જઈ રહી છે, નૈતૃત્વને કારણે આવું થઈ રહ્યું છે અમે કોઈને બોલાવતા જ નથી. કોંગ્રેસની અંદર ગુંગડામણ અનુભવતા કેટલાક કાર્યકરો પાર્ટી પણ છોડી રહ્યાં છે. ભાજપા એક વૈચારિક રીતે આગળ વધી રહ્યું છે અને વિચારધારાને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં લોકો ભાજપામાં આવી રહ્યાં છે. ઋષિકેશ પટેલે કોંગ્રેસ અને તેના નૈતૃત્વ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ દેશની પ્રજા પણ કોંગ્રેસને જાકારો આપી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપા હાઈકમાન્ડે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી છે. ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ઉપર ભાજપની જીત થવાની છે, તે નિશ્ચિત છે. એટલે કોંગેસે હવે ગુજરાતમાં હવાતિયા મારવાનું પણ બંધ કર્યું હોય તેમ લાગી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના એમએલએ ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. ભૂપત ભાયાણીના રાજીનામાના ગણતરીના દિવસોમાં જ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ રાજીનામું ધરી દીધુ છે. તેમજ હજું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ચારેક ધારાસભ્યો રાજીનામા આવે તેવી શકયતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.