1. Home
  2. ગુજરાતી
  3. અમે દુનિયાને વિનાશક સંકટથી બચાવી રહ્યા છીએ, તેલની અછત તો મામૂલી સમસ્યા છેઃ ઈઝરાયલ
અમે દુનિયાને વિનાશક સંકટથી બચાવી રહ્યા છીએ, તેલની અછત તો મામૂલી સમસ્યા છેઃ ઈઝરાયલ

અમે દુનિયાને વિનાશક સંકટથી બચાવી રહ્યા છીએ, તેલની અછત તો મામૂલી સમસ્યા છેઃ ઈઝરાયલ

0
Social Share

તેલ અવીવ, 16 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે સર્જાયેલા તેલ-ગેસના વૈશ્વિક સંકટ વચ્ચે ઈઝરાયેલના રાજદૂત રેઉવેન અઝારે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હાલમાં જે ઉર્જા સંકટ દેખાઈ રહ્યું છે તે ખૂબ નાનું છે, કારણ કે ઈઝરાયેલ અને અમેરિકાએ મળીને દુનિયાને એક એવા મોટા સંકટથી બચાવી છે જે આખા પશ્ચિમ એશિયાને બરબાદ કરી દેત.

અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વની ગણાતી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) બંધ કરવાની જાહેરાત કરી હતી. જોકે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ હવે સ્પષ્ટ કર્યું છે કે આ દરિયાઈ માર્ગ સંપૂર્ણપણે બંધ નથી. તેમણે જણાવ્યું કે આ રસ્તો માત્ર ‘દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ’ ના જહાજો અને ટેન્કરો માટે બંધ કરવામાં આવ્યો છે. ભારત માટે આ સમાચાર રાહતરૂપ છે કારણ કે આ માર્ગ અરબી સમુદ્ર અને ઓમાનની ખાડીને જોડે છે, જ્યાંથી ભારતનો મોટાભાગનો ગેસ પુરવઠો આવે છે.

ઈઝરાયેલના રાજદૂત રેઉવેન અઝારે ખુલાસો કર્યો કે ઈરાને વર્ષ 2027 સુધીમાં પોતે હુમલો કરવાનું આયોજન કરી રાખ્યું હતું. જૂન 2025 પછી ઈરાને આંતરરાષ્ટ્રીય સમુદાયને સહયોગ આપવાને બદલે જમીનની નીચે જઈને પરમાણુ અને મિસાઈલ ક્ષમતા વધારવાનું શરૂ કર્યું હતું. અઝારે કહ્યું, “ઈરાની શાસન પહેલેથી જ ચાર મધ્ય પૂર્વના દેશોની રાજધાનીઓ પર અંકુશ મેળવી ચૂક્યું હતું. જો પરમાણુ હથિયારો ધરાવતા આ શાસનને અત્યારે રોકવામાં ન આવ્યું હોત, તો સમગ્ર આરબ વિસ્તારનું શું થાત?”

ઈરાની રાષ્ટ્રપતિના શાંતિના દાવાઓ પર પ્રહાર કરતા અઝારે કહ્યું કે ઈરાન અત્યારે શરતો મૂકવાની સ્થિતિમાં નથી. તેમણે સવાલ ઉઠાવ્યો કે, “જો ઈરાન પડોશી દેશો પર હુમલો ન કરવાની વાતો કરે છે, તો દુબઈ સ્ટોક એક્સચેન્જ પર હુમલો કેમ કરવામાં આવ્યો? સ્ટોક એક્સચેન્જ કોઈ સૈન્ય મથક નથી. આ જંગ ત્યારે જ અટકશે જ્યારે ઈરાન પોતાનો રસ્તો બદલશે.”

ઈઝરાયેલમાં થયેલા નુકસાન અંગે તેમણે જણાવ્યું કે જૂન 2025ની સરખામણીએ આ વખતે ઓછું નુકસાન થયું છે, જોકે ઈરાન ક્લસ્ટર બોમ્બ વાળી મિસાઈલો દાગી રહ્યું છે. હાલમાં ઈરાન દરરોજ લગભગ 10 મિસાઈલો છોડી રહ્યું છે. અઝારે સ્પષ્ટ કર્યું કે અમેરિકા કે ઈઝરાયેલ ઈરાન પર જમીની હુમલો કરવા માંગતા નથી, પરંતુ અમે એવા સંજોગો ઊભા કરી રહ્યા છીએ કે ઈરાને પોતાનું વલણ બદલવું જ પડે. તેમણે ઉમેર્યું કે ઈરાનનું એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુ સુરક્ષિત છે અને ઈઝરાયેલ માત્ર ટોપ લીડરશીપ અને મિસાઈલ ક્ષમતાને નિશાન બનાવી રહ્યું છે.

અઝારે અંતમાં કહ્યું કે ઈઝરાયેલ હંમેશા વાતચીત ઈચ્છતું હતું, પરંતુ ઈરાન અમને દેશ તરીકે સ્વીકારતું જ નથી. એકવાર આ સૈન્ય ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થાય, પછી ફરીથી રાજદ્વારી માર્ગો તરફ પાછા ફરી શકાય છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાન ક્રિકેટની શરમજનક હાર: બાંગ્લાદેશે વન-ડે સિરીઝ જીતી ઇતિહાસ રચ્યો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code