
અમદાવાદ : રાજકારણમાં કાયમ કોઈ મિત્ર નથી હોતું કે કાયમ કોઈ દુશ્મન પણ નથી હોતું. પરિસ્થિતિ અને પોતાના અંગત સ્વાર્થ માટે નેતાઓ પોતાનું વલણ બદલતા હોય છે. વિચારધારા જેવુ પણ કંઈ રહ્યું નથી, નેતા જે પાર્ટીનો ખેસ પહેરે તે પક્ષ કે પાર્ટીની વિચારધારા બનીજતી હોય છે. હાલ લોકજનશક્તિ પાર્ટીમાં પદ માટે કાકા-ભત્રીજા વચ્ચેની લડાઈ ચાલી રહી છે. ત્યારે જ પાર્ટીના સાંસદ ચિરાગ પાસવાને અચાનક અમદાવાદની મુલાકાત લીધી હતી. કહેવાય છે કે, ચિરાગ પાસવાને ભાજપના એક નેતા સાથે મુલાકાત કરી હતી.. મુલાકાત દરમિયાન તેમની વચ્ચે શુ વાતચીત થઈ તેનો કોઈ ખુલાસો થયો નથી. જોકે, લોજપા સાંસદે આ વિશે કહ્યું કે, આ એક ખાનગી મુલાકાત હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાનની ગુપ્ત મુલાકાતથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. તેમણે અમદાવાદમાં ભાજપ નેતા સાથે ગુપ્ત મુલાકાત કરી હોવાનું કહેવાય છે. આ ગુપ્ત બેઠક માટે ચિરાગ પાસવાન અમદાવાદ આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી ચિરાગ પાસવાનને પોતાના ઘરમાં જ બળવાનો સામનો કરવો પડ્યો છે. કાકા પારસ પાસવાને જ પક્ષ પર કબજો જમાવ્યો છે. બિહારમાં લોજપા પાર્ટીમાં જે રીતે ધમાસાણ મચ્યુ છે, તેને જોઈને અમદાવાદની તેમની મુલાકાત બહુ જ મહત્વની ગણવામાં આવી રહી છે.
કહેવાય છે કે, વડાપ્રધાનના સૌથી ભરોસાપાત્ર ભાજપના નેતા સાથે મુલાકાત કરીને ચિરાગ પાસવાન પાર્ટીની અંદર પોતાનો દાવો મજબૂત કરવાના પ્રયાસોમા લાગ્યા છે. ચિરાગે આ મુલાકાત ભાજપને કરાયેલી અપીલ પર કોઈ રિસ્પોન્સ ન મળવા પર કરી હતી. ચિરાગ પાસવાનની ગુજરાતની મુલાકાતને ગુપ્ત રાખવામાં આવી છે. બિહારમા લાલુની પાર્ટી આરજેડી તેમને પોતાના પક્ષમાં ખેંચવાના પ્રયાસમાં લાગી છે. આરજેડીએ ચિરાગના પિતા રામવિલાસ પાસવાનની જયંતી ઉજવવાની પણ જાહેરાત કરી છે. આરજેડી 5 જુલાઈના રોજ તેમની જયંતી મનાવશે. તો બીજી તરફ, આરજેડીની ચિરાગ પાસવાનમાં દિલચસ્પી વધી જતા બીજેપીમાં ખલબલી મચી ગઈ છે. હવે આ રાજનીતિ શુ રંગ લાવે છે તે તો ટૂંક સમયમાં માલૂમ પડશે.