1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદથી ઓખા સુધી ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થતાં ટ્રેનોમાં મુસાફરીનો સમય ઘટશે
અમદાવાદથી ઓખા સુધી ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થતાં ટ્રેનોમાં મુસાફરીનો સમય ઘટશે

અમદાવાદથી ઓખા સુધી ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થતાં ટ્રેનોમાં મુસાફરીનો સમય ઘટશે

0
Social Share

રાજકોટઃ પશ્વિમ રેલવે દ્વારા અમદાવાદ-રાજકોટ અને છેક ઓખા સુધી ઈલેક્ટ્રિક ફિકેશનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જેમાં છેલ્લા તબક્કાનું સુરેન્દ્રનગરથી ઓખા સુધીનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થયું છે અને ટૂંક સમયમાં જ ઇલેક્ટ્રિક રેલવે એન્જિન સાથેની ટ્રેનો અમદાવાદથી રાજકોટ અને ઓખા સુધી દોડશે. ઈલેક્ટ્રિક એન્જિન સાથેની ટ્રેનો શરૂ થવાથી ડીઝલ એન્જિનો દ્વારા ફેલાતું પ્રદૂષણ બંધ થતાં પર્યાવરણને લાભ મળશે ઉપરાંત ટ્રેનોની સ્પીડ વધવાથી મુસાફરીનો સમય ઘટતાં રાહત મળશે. આ સાથે જ રેલવેને પણ ડીઝલ એન્જિન કરતાં ત્રીજા ભાગનો ખર્ચ થતાં ખર્ચમાં મોટો ઘટાડો નોંધાશે.

રાજકોટ રેલવે ડિવિઝનના રિજિયોનલ મેનેજલ અનિલકુમાર જૈને જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર-રાજકોટ અને રાજકોટથી ઓખા સુધીનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થયું છે અને પ્રિન્સિપલ ચીફ ઇલેક્ટ્રિક એન્જિનિયર દ્વારા ઇન્સ્પેકશન પણ કરી લેવાયા બાદ ઓથોરાઈઝેશન પણ મળી ચૂક્યું છે. જોકે ઓથોરાઈઝેશન કેટલીક શરતોને આધીન અપાયું છે, જે અંગેની પ્રક્રિયા પૂરી થતા અંદાજે એકાદ મહિનામાં ઇલે. ટ્રેનો દોડતી થવાની શક્યતા છે, જેનો સૌથી મોટો લાભ પર્યાવરણને મળશે, કારણ કે ડીઝલ પર ચાલતી ટ્રેન દ્વારા કાર્બનનું ઉત્સર્જન થાય છે, જેનાથી પર્યાવરણને મોટું નુકસાન થાય છે. જોકે ઇલેક્ટ્રિક ટ્રેનમાં આવું થશે નહીં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક ટ્રેનમાં જે એનર્જી આવે એ ઉપર લાગેલા વાયરો દ્વારા આવતી હોય છે. આ એનર્જી સીધી દરેક કોચમાં પહોંચતી હોવાથી લાઈટો, પંખા અને એરકંડિશનરની ગુણવત્તા વધુ સારી થતાં આ અંગેની ફરિયાદો ઘટશે. ત્રીજો અને મહત્ત્વનો ફાયદો એ થશે કે ટ્રેનની સ્પીડમાં વધારો થતાં ટ્રાવેલિંગ સમયમાં પણ ઘટાડો થશે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રને વધુ ટ્રેનો મળશે. અમદાવાદથી ઓખા સુધીની સફરમાં અડધાથી એક કલાકનો સમય બચવા છતાં એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવાશે નહીં.

તેમણે ઉમેર્યું હતું કે, ડબલિંગ ટ્રેકને કારણે હવે બે ટ્રેન અલગ-અલગ ટ્રેક પર ચાલશે, જેને લઈને અકસ્માતોની સંભાવના ઘટવાની સાથે ક્રોસિંગમાં થતો સમયનો વ્યય અટકશે. અત્યારસુધી એક ટ્રેનને અટકાવીને બીજી ટ્રેનને ક્રોસિંગ આપવામાં આવતું હતું, પરંતુ ચારેક મહિના પૂર્વે ડબલિંગ શરૂ થયા બાદ હવે એની જરૂરિયાત રહી નથી. અગાઉ 93 ટકા ટ્રેનો સમયસર રહેતી હતી, જેને બદલે હવે આ રૂટની 99 ટકા ટ્રેનો સમયસર ચાલવા લાગી છે તેમજ સમયની બચત થતાં આગામી સમયમાં વધુ ટ્રેનો મળવાની શક્યતા વધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટથી સુરેન્દ્રનગર કુલ 116.17 કિલોમીટર અંતરમાં ડબલ ટ્રેક કરવાની કામગીરી છેલ્લાં ચાર વર્ષથી ચાલતી હતી. કુલ 1056.11 કરોડ રૂપિયાનાં ખર્ચે થયેલી આ કામગીરી પૂર્ણ થતાં ફેબ્રુઆરી માસથી જ રાજકોટથી અમદાવાદની ટ્રેનો ડબલ ટ્રેક પર દોડવા લાગી છે. આ 116 કિલોમીટર રેલવે માર્ગ ડબલ થઈ જતાં અનેક સુવિધાઓ વધી જશે અને સાથે-સાથે લાંબા અંતરની નવી ટ્રેનો પણ રાજકોટને મળવાની પૂરી શક્યતા છે. હાલ રાજકોટ પ્લેટફોર્મની કેપેસિટી વધારવા માટે પણ પ્રોજેક્ટ પ્લાનિંગમાં છે. આ કેપેસિટી વધતા સૌરાષ્ટ્રના લોકો માટે લાંબા અંતરની ટ્રેન સુવિધા ઝડપી અને આરામદાયક બનશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code