સુરતઃ શહેરના ઉમરા(પાર્લે પોઈન્ટ) વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર નજીક તોરણ એપાર્ટમેન્ટ નામનું લો રાઈઝ બિલ્ડીંગને ઉતારી લેવાની કામગીરી ચાલી રહી હતી. 30-35 વર્ષ જૂની બિલ્ડીંગ ઉતરવાની કામગીરી દરમિયાન અચાનક બીજા માળનો સ્લેબ તૂટી પડતા મજૂરોમાં ભાગદોડ મચી ગઇ હતી. ભર બપોરે બનેલી આ દુર્ઘટનામાં બે મજૂરો ગંભીર રીતે ઘવાતા બન્નેને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. જ્યાં એકને મૃત જાહેર કરાયો હતો. મ્યુનિ.કોર્પોરેશનને જાણ કર્યા વગર કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાની સાથે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
સૂત્રોના જમાવ્યા મુજબ સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર નજીક એપાર્ટમેન્ટ તોડતી વખતે મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને દબાયેલા શ્રમિકોને રેસ્ક્યુ કરીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યાં હતાં. જ્યાં ભાવેશ નામના શ્રમિકનું મોત થયું હતું. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે,12.45 વાગ્યના કોલ હતો. અંબાજી મંદિરની સામે બેન્ક ઓફ બરોડા સામેની ગલીમાં મકાન ધરાસાયી થયું હતું. મકાન તોડાઈ રહ્યું હતું. જેમાં એક શ્રમિક સ્બેલ તોડી રહ્યો હતો. ત્યારે સ્લેબ તૂટતા તેના માથા પર ઈજા થઈ હતી. 3 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે મોકલી હતી. જેમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ મોકલ્યાં તેમાંથી ભાવેશ નામના યુવકનું મોત થયાની જાણ થઈ હતી.
પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે,આજે બપોરે અચાનક પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા તોરણ એપાર્ટમેન્ટનો બીજા માળનો સ્લેબ તૂટી પડતા બે મજૂરો દબાઈ ગયા હતા.ચાર માળનું બિલ્ડીંગ ઉતારવા માટે કોન્ટ્રાક્ટરે પાલિકામાં જાણ કે નોંધણી કરવાની હોય છે. જે બન્ને કામગીરી કરી ન હતી. તેમજ મજૂરો સેફટી બેલ્ટ વગર દીવાલ તોડતા હતા. દુર્ઘટના પાછળ કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી છે. મ્યુનિ.એ તાત્કાલિક નોટીશ આપી છે અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.