
વર્લ્ડકપ ફાઈનલઃ ઓસ્ટ્રેલિયન કેપ્ટને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીચનું નિરીક્ષણ કર્યું
અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આવતીકાલે રવિવારે રમાનારી ફાઈનલને લઈને ભારત અને ઓસ્ટ્રેલિયન ટીમ દ્વારા તૈયારીઓ શરુ કરી લેવામાં આવી હતી. દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીચ નીહાળી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટને પીચ સારી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં કેપ્ટને પીચનો ફોટોગ્રાફ પણ લીધો હતો.
યજમાન ભારત અને 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તે સારો પીચ રીડર નથી. ઓસ્ટ્રેલિયન કેપ્ટને સ્ટેડિયમમાં પહોંચતાની સાથે જ સૌથી પહેલા પીચની તસવીર લીધી હતી.
શનિવારે ટાઈટલ મેચ પહેલા કાંગારૂ ટીમના કેપ્ટનને પ્રેસ કોન્ફરન્સમાં પીચ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સારી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “હું તમને ફરી એકવાર કહું છું કે હું સારો પીચ રીડર નથી. પરંતુ પીચ મજબૂત લાગે છે. તેઓએ તેમાં માત્ર પાણી ઉમેર્યું છે. તેથી, તેને 24 કલાક આપો અને પછી જુઓ. “જો કે આ વિકેટ સારી લાગે છે.”
વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ આ મેદાન પર ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. ટૂર્નામેન્ટની કુલ 4 લીગ મેચો અહીં રમાઈ હતી. આ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો 1-1 લીગ મેચ રમી છે. ભારતીય ટીમે અહીં 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેચ રમી હતી, જેમાં રોહિત બ્રિગેડે 7 વિકેટે એકતરફી જીત મેળવી હતી. આ સિવાય ઓસ્ટ્રેલિયાનો 4 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડનો સામનો થયો હતો, જેમાં કાંગારૂ ટીમે 33 જીત હાંસલ કરી હતી. લીગ મેચોમાં બંને ફાઇનલિસ્ટ ટીમો માટે મેદાન સારું હતું.