પુસ્તકોની દુનિયાઃ હ્યુગોના આ શબ્દો ઉપર આપોઆપ તથાસ્તુ કહેવાનું મન થાય…
World of Books પુસ્તક શબ્દ સાથે એક નવા જ વિશ્વની બારી આપણી સમક્ષ ઉઘડી આવે છે. જેમાંથી ફક્ત આકાશનો એક ટુકડો જ નહિ, આખું આકાશ આપણી સમક્ષ ઝળાહળા થતું દેખાય છે. જેમાં જીવનના દરેક રંગ, રૂપ અને નવે નવ રસ દેખા દેતા રહે છે.
પુસ્તકોની આ અદભુત દુનિયાની, અનોખા પ્રવાસની મજાની શરૂઆત કરીશું એક પ્રશિષ્ટ કૃતિથી.. આ હૃદય સ્પર્શી પુસ્તક એટલે વિક્ટર હ્યુગોની અમર નવલકથા લે મિઝરેબલ. 23 માર્ચ, 1862માં પ્રકાશિત થયેલી આ બૃહદ નવલકથા મૂળ તો 2453 પાનામાં પથરાયેલી છે. ભાવનગરના આપણા સમર્થ અનુવાદક શ્રી મૂળશંકર ભટ્ટ સાહેબે એનો સંક્ષિપ્ત, સંઘેડા ઉતાર ભાવાનુવાદ 480 પાનામાં “દુખીયારાં” તરીકે કરીને ગુજરાતી વાચકો સમક્ષ આ કૃતિ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ભક્ત કવિ ચંડીદાસે ગાયું છે કે “સાબાર ઉપર માનુષ આછે, તાહર ઉપર નાઈ..” અર્થાત સૌથી ઉપર માણસ અને માત્ર માણસ છે. આ પુસ્તક પણ આ જ વાત કરે છે. આ પુસ્તક એટલે માનવતાની લાગણીનું પ્રતિબિંબ ઝીલતું મહાકાવ્ય.
ભૂખ્યા ભાણીયાને ખવડાવવા મજબૂર બનેલો જીન વાલજીન બ્રેડનાં એક ટુકડાની ચોરી કરતા પકડાયો હતો. અહીં અનાયાસે આપણા પન્નાલાલ પટેલ યાદ આવી જાય છે. “ભૂખ ભૂંડી છે, ભાઈ, માણસ નહિ…બુભુક્ષિત નર: કિમ ન કરોતિ પાપમ?”

બ્રેડના એ ટુકડાની ચોરી બદલ ઓગણીસ વરસ એને જેલમાં કાઢવા પડે છે. ત્યાંથી છૂટ્યા બાદ પણ સમાજમાં માનભેર જીવવાનો પરવાનો એને નથી મળતો. આખી નવલકથાની વાત તો અહીં શબ્દ મર્યાદાને લીધે શક્ય નથી. પણ એ પછી શરૂ થાય છે એની રઝળપાટ.
પાદરી મિરીયલ જીન વાલજીનના ભીતરને ઢંઢોળે છે. એની સારપને બહાર કાઢે છે. જીન વાલજીન બદલાય છે. એના બદલાતા વ્યક્તિત્વનું ચિત્રણ અદભુત રીતે થયું છે જે વાચકને હચમચાવી મૂકે છે. આશા, નિરાશા, વિષાદ, પાપ, પુણ્ય, પ્રાયશ્વિત, હરખ, શોક, કરૂણા, પીડા રાગ, દ્વેષ, જીવનના કેટકેટલાં રંગો અહીં હાજર છે.
પુસ્તકમાં કથા પૂરી થયા બાદ પણ ભાવકના ચિત્તમાંથી એ જલદી ખસે એવી નથી.
સમાજે જીન વાલજીનના હૈયામાં નફરતની જવાળા પ્રગટાવી હતી. પાદરીએ તેનામાં પવિત્રતા જગાડી,મઠની સાધ્વીઓએ અહમના અંકુરોને ઓગાળીને તેનામાં નમ્રતા, ઉદારતા, આનંદ અને શાંતિ રેડયા. કોઝેટે, એક બાળકે તેનામાં પ્રેમ જગાડ્યો. અને તેનું સમગ્ર ચિત દુનિયામાં રહેલા પરમ મંગલ તરફ આદ્ર ભાવે નમી રહે છે. પોતાના નાયકનું ઉર્ધ્વારોહણ અહીં હ્યુગોએ અદભુત રીતે કર્યું છે.
Happiness is a way of travel, not destination.. અહીં આ તો પુસ્તકની એક ઝલક માત્ર છે. ફેન્ટાઇન, નાનકડો ગાવરોશ, ઇપોનાઈન, એન્જોરાલ્સ, મેબ્યુ દાદા, મઠની સાધ્વીઓ, મેરીયસના દાદા ગીલનોરમા, પોલીસ ઓફિસર જેવર્ત, માળી ફોશલેવા..વગેરે અનેક મજાના પાત્રો અહીં હાજર છે. આ પુસ્તક અનાયાસે મુખ્ય બે વાત ચીંધી જાય છે. કે લાઈફ ઈઝ ટુ ગીવ, નોટ ટુ ટેઈક.. અને માનવતા, પ્રેમથી ઊંચું કંઈ જ નથી. જીવનની વસમી વાસ્તવિકતાનો અહીં ચિતાર છે. જીવન કદી ફક્ત કાળું, કે ધોળું ન હોઈ શકે.
નવલકથામાં આવતા એન્જોરાલ્સના અંતિમ શબ્દો આજે સાંપ્રત સમયમાં પણ કેટલા પ્રસ્તુત છે. પોતાના મૃત્યુ પહેલા પોતાની સાથે મૃત્યુને ભેટવા ઉભેલા સાથીઓને તે કહે છે.
“ભવિષ્યમાં આ અંધકાર નહિ હોય, લોહીની પ્યાસથી લબલબાતી જીભો નહિ હોય, પૃથ્વી પર ઉલ્લાસ હશે, માનવજીવનમાં પ્રેમનું સામ્રાજય આનંદ, સંગીત, ઉજાસ અને મૈત્રી હશે. એ દિવસ જલદી આવે એ માટે આપણે સૌ અહીં મૃત્યુને ભેટવા તૈયાર ઊભા છીએ. ભવિષ્યનો કોઈ સનાતન શબ્દ હોય તો તે પ્રેમ અને પ્રેમ જ છે.”
મિત્રો, હ્યુગોના આ શબ્દો ઉપર તથાસ્તુ કહેવાનું મન આપોઆપ નથી થઇ આવતું?

(રિવોઈમાં સાહિત્યની આ કૉલમનો આ પહેલો મણકો છે. કૉલમ નિયમિત દર રવિવારે માણી શકશો અને તે અંગે આ ઈમેલ એડ્રેસ editor@revoi.in ઉપર અભિપ્રાય જરૂર આપજો, રાહ જોઈશું.)


