
અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ છેલ્લા બે દિવસથી ગરમીમાં સામાન્ય રાહત મળી છે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોના તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થયો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. દરમિયાન કાલે સોમવારથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે. અમદાવાદ શહેરમાં શનિવારે મોડીરાતથી જ તાપમાનનો ઘટાડો અનુભવાયો હતો. જ્યારે રવિવારે વહેલી સવારથી સૂરજ દેવતાનો પ્રકોપ ઓછો વર્તાયો હતો.
પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર ત્રાટકવાના રેમલ વાવાઝોડાની અસર ગુજરાતમાં દેખાવા લાગી છે. શનિવારે સાંજે ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં તોફાની પવન સાથે વરસાદ ત્રાટક્યો છે. પોશીના વિસ્તાર વરસાદથી પાણી પાણી થઈ ગયો છે. પોશીનાનું વાતાવરણ બદલાયું હતું. 18 મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ આગામી બે દિવસ તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી રહેશે. ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થશે તેવુ હવામાન વિભાગનું કહેવું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગરઅને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે.
દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. રવિવારે સાંજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. રવિવાર અને સોમવાર બે દિવસ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે.
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ સહિત કેટલાક રાજ્યોમાં તા.27 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસાનો પ્રારંભ થઈ જશે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.