
ઉત્તરપ્રદેશમાં 44 ટકા લોકોની સીએમ તરીકે યોગી આદિત્યનાથ પહેલી પસંદ
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશની પ્રજામાં મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ લોકપ્રિય હોવાનું એક સર્વેમાં સામે આવ્યું છે. 44 ટકા લોકોએ મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથને પસંદ કર્યાં છે. એટલું જ નહીં ઉત્તરપ્રદેશમાં સીએમ યોગીની કામગીરીને પણ મોટા ભાગની પ્રજાએ આવકારી છે.
ઉત્તરપ્રદેશમાં એક સંસ્થાએ મુખ્યપ્રધાન તરીકે પ્રથમ પસંદગીને લઈને સર્વે કર્યો હતો. જેમાં મોટાભાગના લોકોએ યોગી આદિત્યનાથને સીએમ તરીકે પોતાની પ્રથમ પસંદગી બતાવ્યાં હતા. સર્વે અનુસાર 44 ટકા લોકોએ યોગી આદિત્યનાથને પોતાની પહેલી પસંદ ગણાવ્યા છે. 31 ટકા લોકોએ અખિલેશ યાદવ અને 15 ટકા માયાવતીને તેમની પ્રથમ પસંદગી ગણાવી હતી. ચાર ટકા લોકો પ્રિયંકા ગાંધીને પોતાની પહેલી પસંદ માને છે અને બે ટકા લોકો જયંત ચૌધરી ઈચ્છે છે. આ સાથે જ લોકોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કામ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. 43 ટકા લોકોએ તેમનું કામ પસંદ કર્યું છે. જ્યારે 21 ટકા લોકો કામને સરેરાશ તરીકે જુએ છે. જ્યારે 36 ટકા લોકો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કામને ખરાબ માને છે. આ સર્વે 7509 લોકોને પૂછીને કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા સત્તા જાળવી રાખવા માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસ, અખિલેશ યાદવ અને માયાવતીએ પણ પોતાની રીતે પ્રચારની શરૂઆત કરી છે.