વસુધૈવ કુટુમ્બકમ કોન્ક્લેવમાં યુવાનોએ કરી ચર્ચા-વિચારણાઃ મોડેલ યુનાઈટેડ નેશન્સ કેવું હોય?
- કોન્ક્લેવમાં ચોથા દિવસે પ્રાચીન રાજનીતિ, વૈશ્વિક શાસન અને યુવા રાજદ્વારી વિષયો પર મંથન
મુંબઈ, 19 જાન્યુઆરી 2026: Model United Nations મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઓર’ કોન્ક્લેવ અને પ્રદર્શનના ચોથા દિવસે શાસન, રાજદ્વારી સંબંધો અને માનવીય સભ્યતાની વ્યવસ્થા પર વ્યાપક બૌદ્ધિક ચર્ચા થઈ હતી. આ કાર્યક્રમો તેમજ ચર્ચામાં વિદ્યાર્થીઓ તથા યુવા નેતાઓ પણ ઉત્સાહભેર સામેલ થયા હતા.
કાર્યક્રમ સ્થળે ‘વસુધૈવ કુટુમ્બકમ‘ પ્રદર્શન આખો દિવસ ખુલ્લું રહ્યું હતું અને મુલાકાતીઓએ તેમાં ઊંડો રસ લીધો હતો. મુલાકાતીઓએ પ્રાચીન ભારતીય જ્ઞાનમાં રહેલા 12 શાશ્વત સિદ્ધાંતોની પ્રસ્તુતિ નિહાળી હતી. આ પ્રદર્શન પરિવાર, સમાજ, શાસન અને વૈશ્વિક જવાબદારી અંગે વિમર્શ માટે એક સર્વગ્રાહી સંદર્ભ સાબિત થઈ રહ્યું છે.
શું તમે આ ભવ્ય કાર્યક્રમમાં સામેલ થવા માગો છો? તો આ રહી વિગતો…
સ્થળ: ઓગસ્ટ ક્રાંતિ મેદાન, મુંબઈ
તારીખ: 16–22 જાન્યુઆરી 2026
પ્રદર્શનનો સમય: સવારે 9.00 વાગ્યાથી સાજે 9.00 વાગ્યા સુધી
રજિસ્ટ્રેશન: નિઃશુલ્ક અને જાહેર જનતા માટે ખુલ્લું
વિદ્યાર્થીઓનું જોડાણ આજના દિવસે પણ કેન્દ્રસ્થાને રહ્યું હતું. ‘સ્ટુડન્ટ એન્ગેજમેન્ટ ઝોન’ ખાતે આખો દિવસ મોડેલ યુનાઈટેડ નેશન્સ (MUN)નાં સત્ર યોજાયાં હતાં. સત્રમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય મુદ્દા, શાસનલક્ષી પડકારો અને રાજદ્વારી પ્રક્રિયાઓ પર ચર્ચા કરી હતી. આ અનૌપચારિક વૈશ્વિક મંચની ચર્ચામાં વિદ્યાર્થીઓએ બંધારણીય મૂલ્યો અને નૈતિક તર્કનો ઉપયોગ કર્યો હતો. તેની સાથે સમાંતર રીતે યોજાયેલા ‘નાલંદા વાદ’ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓમાં વિષયવાર પદ્ધતિસર સંવાદ, વિવેચનાત્મક વિચારસરણી અને આદરપૂર્ણ ચર્ચાઓને વધુ પ્રોત્સાહન આપ્યું હતું.

સવારના સત્રમાં મથુરાદાસ હોલ ખાતે ‘પ્રાચીન રાજનીતિના સિદ્ધાંતો અને સંક્રમણ કાળ’ પર પેનલ-1 યોજાઈ હતી. આ સત્રમાં વિવેકાનંદ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉ. અરવિંદ ગુપ્તા, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ સ્ટડીના ચેરપર્સન પ્રો. ડૉ. શશીપ્રભા કુમાર, લેફ્ટનન્ટ જનરલ અજય કુમાર સિંહ (નિવૃત્ત), નેશનલ સિક્યુરિટી જર્નલના એડિટર પ્રો. સુજીત દત્તા અને કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર પ્રો. ઉમા વૈદ્ય ઉપસ્થિત રહ્યાં હતાં. આ ચર્ચામાં પ્રાચીન ભારતીય રાજકીય વિચારધારાના શાસન સિદ્ધાંતો અને આધુનિક રાજ્ય-નીતિ, નેતૃત્વ તથા સંસ્થાકીય સંતુલન સાથે તેની સુસંગતતા તપાસવામાં આવી હતી.
દિવસ દરમિયાન અન્ય કાર્યક્રમો
બપોરના સત્રમાં ‘વૈશ્વિક શાસનની સામ્રાજવાદમાંથી મુક્તિ’ (Decolonizing Global Governance) વિષય પર પેનલ-2 યોજાઈ હતી. જેમાં ઈન્ડિયા ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ આલોક બંસલ, ભારત સરકારના કેપેસિટી બિલ્ડિંગ કમિશનના સભ્ય (એચઆર) આર. બાલસુબ્રમણ્યમ, દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકાર વિભાગના પ્રથમ સચિવ ખાથુત્શેલો ઇમેન્યુઅલ થાગવાના અને પહલે ઇન્ડિયા ફાઉન્ડેશનના ચેરમેન તથા નીતિ આયોગના ભૂતપૂર્વ વાઇસ ચેરમેન ડૉ. રાજીવ કુમાર સામેલ થયા હતા. હિરાનંદાની ગ્રુપના સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર નિરંજન હિરાનંદાનીએ આ પેનલમાં મુખ્ય પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો. આ પેનલે સામ્રાજ્યવાદી શાસન પછીની શાસન વ્યવસ્થા, બહુપક્ષીય સંસ્થાઓ અને સભ્યતાના પરિપ્રેક્ષ્ય પર આધારિત વૈકલ્પિક શાસન માળખાંની ચર્ચા કરી હતી.
સાંજના સમયે પોડકાસ્ટ સત્રોની શ્રેણી યોજાઈ હતી, જેમાં સ્ટાર્ટઅપ્સ અને ઇન્વેસ્ટમેન્ટ્સ, શિક્ષણ, અમલદારશાહી અને સંસ્કૃતિ તથા સભ્યતા જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા. આ વાતચીતમાં નિષ્ણાતો અને નીતિ નિર્ધારકોએ જાહેર જ્ઞાનના પ્રસારના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રિત ચર્ચા-વિચારણા કરી હતી.
સમગ્રતયા 19 જાન્યુઆરીના દિવસે પ્રાચીન જ્ઞાનને સમકાલીન શાસન અને પડકારો સાથે જોડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યારે રાજદ્વારી સંબંધો, નેતૃત્વ અને વૈશ્વિક જવાબદારી પરની ચર્ચાઓમાં યુવાનોને સક્રિયપણે સામેલ કરવામાં આવ્યા હતા.


