આતંકવાદીઓ માટે જ્યાં સુધી પાકિસ્તાન સલામત સ્થળ રહેશે ત્યાં સુધી તેની સાથે કોઈ સંવાદ શક્ય નથીઃ રાજનાથસિંહ
મુંબઈઃ પાકિસ્તાન જયાં સુધી આતંકવાદીઓ માટે સલામત સ્થળ રહેશે ત્યાં સુધી પાકિસ્તાન સાથે મંત્રણા શક્ય નથી. દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવાની વાતને મોદી સરકાર ટોચની અગ્રતા આપે છે. તેમ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંગે જણાવ્યું હતું. ગઇકાલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સંરક્ષણમંત્રીએ કહ્યું કે, દેશ સામેના કોઇપણ ખતરાથી દેશને રક્ષણ આપવા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, કેટલાક ભારતવિરોધી તત્વોને ભારતની પ્રગતિ અને મજબૂતી સહન થતી નથી. આવા તત્વો ભારતનો સીધો મુકાબલો કરવા સક્ષમ ન હોવાથી તેઓ આતંકવાદ જેવી અપ્રત્યક્ષ લડાઇનો આધાર લે છે. ઉરી અને પુલવામાના બનાવો બાદ ભારતીય સેનાએ સર્જીક્લ સ્ટ્રાઇક અને હવાઇ હુમલા દ્વારા સંબંધિતોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, ભારતીય સેના દેશમાં અને સરહદપારના કોઇપણ પ્રકારના આતંકવાદનો સામનો કરવા સજ્જ છે. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરાઇ છે. અને આતંકવાદ સામે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યાં છે.
રાજનાથસિંહે કહ્યું કે, ભારત હવે સંરક્ષણક્ષેત્રે પોતાની જરૂરિયાત સંતોષવા ઉપરાંત મિત્ર દેશોની સલામતિની જરૂરિયાતને ધ્યાનમાં લઇને શસ્ત્ર ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ ભારત વિરુદ્ધ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાથી ભારત સરકારે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના સંબંધ ઉપર પૂર્ણ વિરામ મુક્યો છે. એટલું જ નહીં જ્યાં સુધી પાકિસ્તાનમાં આતંકવાદ નાબુદ ન થાય ત્યાં સુધી તેની સાથે કોઈ પ્રકારનો સંવાદ કરવાનો ભારત સરકારે ઈન્કાર કર્યો છે. આ ઉપરાંત સરહદ પારના આતંકવાદના મુદ્દાને ભારત સરકારે યુએન સહિતના વિવિધ મંચ ઉપર ઉઠાવ્યો છે. અમેરિકા સહિતના દેશો પણ ભારતની સાથે મળીને આતંકવાદનો સફાયો કરવામાં કામગીરી કરી રહ્યાં છે.