1. Home
  2. ગુજરાતી
  3. વિપક્ષના “શંભુમેળા”માં પીએમ પદની પરોક્ષ દાવેદારી જીવતી રાખવા શરદ પવારનો યુટર્ન, લડશે લોકસભાની ચૂંટણી
વિપક્ષના “શંભુમેળા”માં પીએમ પદની પરોક્ષ દાવેદારી જીવતી રાખવા શરદ પવારનો યુટર્ન, લડશે લોકસભાની ચૂંટણી

વિપક્ષના “શંભુમેળા”માં પીએમ પદની પરોક્ષ દાવેદારી જીવતી રાખવા શરદ પવારનો યુટર્ન, લડશે લોકસભાની ચૂંટણી

0

લોકસભાની ચૂંટણી નહીં લડવાનું એલાન કરી ચુકેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારનું મન હવે બદલાઈ ગયું છે. પવારે યુટર્ન લેતા ઘોષણા કરી છે કે આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવારી કરશે. તેઓ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાની માઢા લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી અટકળો છે. જો કે તેમના પરિવારના અન્ય સદસ્યો અને તેમના ભત્રીજામાંથી કોઈપણ આ વખતે લોકસભાની ચૂંટણી લડવાના નથી.

વંશવાદને પ્રોત્સાહન નહીં

એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યુ છે કે અજીત પવાર, પાર્થ પવાર અને રોહિત પવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા નથી. તેમણે આ વાત વંશવાદી રાજનીતિના સ્વરૂપને પ્રોત્સાહિત કરવા મામલે પુછાયેલા સવાલનો જવાબ આપતા જણાવી હતી. પવારના ભત્રીજા અજીત પવાર હાલ મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય છે. શરદ પવારે પોતાના પૌત્ર રોહિત પવાર દ્વારા ચૂંટણી લડવાની હોવા બાબતે ફેલાયેલી અફવાઓનું પણ ખંડન કર્યું છે.

માઢાથી ચૂંટણી લડવાની શક્યતા

તાજેતરમાં લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રની બેઠકોની સમીક્ષા કરવા માટે શરદ પવારે એનસીપીના નેતાઓની બેઠક બોલાવી હતી. પવારે બેઠકમાં કહ્યુ હતુ કે સોલાપુરની માઢા લોકસભા બેઠકના એનસીપીના સાંસદ વિજયસિંહ મોહિતે પાટિલે તેમને ચૂંટણી લડવા માટે આગ્રહ કર્યો છે. આ સિવાય અન્ય પદાધિકારીઓનો પણ આવો જ અભિપ્રાય છે.

ભાજપ-શિવસેનાની દોસ્તી પર નિશાન

આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપ અને શિવસેના વચ્ચે થયેલા ગઠબંધન બાબતે વાત કરતા પવારે કહ્યુ હતુ કે આ ચૂંટણી જોડાણ તો થવાનુ જ હતું. પવારે કહ્યુ છે કે પાછલા કેટલાક મહિનાઓથી બંને પાર્ટીઓ વચ્ચે તીખું વાકયુદ્ધ અને આકરી નિવેદનબાજી જોવા મળી હતી. હવે ભાજપ અને શિવસેના બંને એકસાથે ઉભા છે તથા એકતાનો સંદેશ આપવા ચાહે છે. મહારાષ્ટ્રની જનતા તેમની રણનીતિને સમજે છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રની જનતા વિચારશે અને શ્રેષ્ઠ પગલું ઉઠાવશે.

સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીની ગેરહાજરી પર સવાલ

એનસીપી અધ્યક્ષ શરદ પવારે પુલવામા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં સામેલ નહીં થવા બદલ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. પવારે કહ્યુ હતુ કે એક સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મોદી બેઠકની અધ્યક્ષતા કરશે.

એનસીપી અધ્યક્ષ પવારે કહ્યુ છે કે વડાપ્રધાન સામેલ થશે તેમ માનીને તેઓ બધાં દિલ્હી ગયા, કારણ કે પુલવામા ખાતેનો આતંકી હુમલો રાષ્ટ્ર પરનો હુમલો હતો. પરંતુ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે વડાપ્રધાન બેઠકમાં સામેલ થઈ રહ્યા નથી. આવા ગંભીર મામલે બેઠકમાં સામેલ થવાના સ્થાને પીએમ મોદી રેલીને સંબોધિત કરવા માટે ગયા. તેઓ ધુલે અને યવતમાલમાં રેલીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ રેલીઓમાં પીએમ મોદીએ તેમની ટીકા કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.