Site icon Revoi.in

અમૃતસરમાં પ્રચંડ બ્લાસ્ટમાં એક વ્યક્તિને થઈ ઈજા

Social Share

નવી દિલ્હીઃ અમૃતસરના મજીઠા રોડ બાયપાસ પર આજે એક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જોકે આ વિસ્ફોટ કેવી રીતે થયો અને કોણે કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. વિસ્ફોટમાં ઘાયલ થયેલા વ્યક્તિએ પોતાના હાથ અને પગ ગુમાવ્યા હતા. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે, આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી મળતા જ સદર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. તેમજ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મજીઠા રોડ બાયપાસ પાસે રહેતા રહેવાસીઓનું કહેવું છે કે, સવારે લોકો કામ પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક ડિસેન્ટ એવન્યુની બહાર જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટ થતાં જ લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને જોયું કે એક વ્યક્તિ ખરાબ રીતે ઘાયલ હાલતમાં પડેલો હતો. તે પીડાથી ચીસો પાડી રહ્યો હતો. લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. સદર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ ગયા હતા. હાલમાં ઘાયલ વ્યક્તિની હાલત ખૂબ જ ગંભીર છે. પોલીસે વિસ્ફોટ પાછળ કોઈ આતંકવાદી કાવતરું કે અન્ય કોઈ મોટી ઘટના હોવાની શક્યતાને નકારી કાઢી છે.

Exit mobile version