ઓપરેશન સિંદૂરમાં NCC કેડેટ્સનું યોગદાન પ્રશંસનીય: વાયુસેના પ્રમુખ
નવી દિલ્હી, 9 જાન્યુઆરી 2026: વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે એનસીસી (NCC) પ્રજાસત્તાક દિવસ શિબિર દરમિયાન કેડેટ્સને સંબોધતા દેશભક્તિનો જુસ્સો જગાડ્યો હતો. તેમણે ‘ઓપરેશન સિંદૂર’માં એનસીસી કેડેટ્સના અમૂલ્ય યોગદાનની મુક્તકંઠે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જીવનમાં માત્ર પૈસા કમાવવા કે વ્યક્તિગત પ્રગતિ કરવી એ જ બધું નથી, પરંતુ દેશ માટે કંઈક કરવું પણ એટલું જ અનિવાર્ય છે.
વાયુસેના પ્રમુખે ઉલ્લેખ કર્યો હતો કે ‘ઓપરેશન સિંદૂર‘ દરમિયાન અંદાજે 75,000 એનસીસી કેડેટ્સે નાગરિક વહીવટીતંત્રને અભૂતપૂર્વ સહયોગ આપ્યો હતો. કેડેટ્સે તબીબી સહાય અને સ્વૈચ્છિક રક્તદાન જેવા સેવાકીય કાર્યો દ્વારા સામાજિક જવાબદારી નિભાવી હતી. તેમણે ઉમેર્યું કે, “આ કામગીરીથી દેશમાં એક નવી જાગૃતિ આવી છે કે દેશ નિર્માણમાં દરેક નાગરિકનું યોગદાન મહત્વનું છે.”
આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવવા માટે હવે એનસીસી કેડેટ્સને ડ્રોન સંબંધિત તાલીમ પણ આપવામાં આવશે તેવી જાહેરાત પર વાયુસેના પ્રમુખે ખુશી વ્યક્ત કરી હતી. આ તાલીમથી કેડેટ્સ ભવિષ્યના સંરક્ષણ પડકારો માટે વધુ સજ્જ બનશે.
આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયામાં જંગલની વિકરાળ આગને પગલે હાઈ-એલર્ટ
છેલ્લા પાંચ વર્ષના આંકડા આપતા એપી સિંહે જણાવ્યું હતું કે, એનસીસીમાંથી વાયુસેનામાં જોડાનારા કેડેટ્સની સંખ્યા 1,200 જેટલી છે. 20 લાખ કેડેટ્સ ધરાવતી આ સંસ્થામાંથી ત્રણેય પાંખમાં જોડાનારાઓની સંખ્યા ઓછી હોવા પાછળનું કારણ સમજાવતા તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિ ફોજમાં જોડાઈ શકતી નથી. જોકે, તેમણે કેડેટ્સને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, “લશ્કરમાં જોડાયા વગર પણ તમે શ્રેષ્ઠ નાગરિક બનીને દેશ નિર્માણમાં મોટું યોગદાન આપી શકો છો.”
દિવસના અંતે પસંદગી પામેલા એનસીસી કેડેટ્સે વાયુસેના પ્રમુખ અને તેમના પત્ની સરિતા સિંહ સાથે તેમના નિવાસસ્થાને ‘એટ-હોમ’ કાર્યક્રમમાં મુલાકાત લીધી હતી. આ મુલાકાત કેડેટ્સ માટે યાદગાર બની રહી હતી.
આ પણ વાંચોઃ લાલુ પરિવારની મુશ્કેલી વધી: લેન્ડ ફોર જોબ’ કેસમાં ચાર્જફ્રેમ કરાયો


