નવી દિલ્હીઃ એનડીએ એ પટનામાં 2025 ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેનો સંયુક્ત ચુંટણી ઢઁઢેરો બહાર પાડ્યો હતો. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ રાજધાનીમાં હોટલ મૌર્ય ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું. મુખ્યમંત્રી નીતિશ કુમાર, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, એલજેપી (રામવિલાસ) ના વડા ચિરાગ પાસવાન, HAM ના વડા જીતન રામ માંઝી અને RLM ના ઉપેન્દ્ર કુશવાહા, અન્ય વરિષ્ઠ NDA નેતાઓ સાથે હાજર રહ્યા હતા.
ઘોષણાપત્રમાં રોજગાર, શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને ખેડૂત સમૃદ્ધિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. NDA એ જણાવ્યું હતું કે આ ઘોષણાપત્ર આગામી પાંચ વર્ષમાં બિહારને આત્મનિર્ભર, વિકસિત અને આધુનિક રાજ્ય બનાવવાનો રોડમેપ છે.
NDA એ દરેક યુવાનો માટે “ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી” આપવાનું વચન આપ્યું છે. ઘોષણાપત્ર મુજબ, 1 કરોડથી વધુ સરકારી નોકરીઓ અને રોજગારની તકો ઉભી કરવામાં આવશે. દરેક જિલ્લામાં મેગા સ્કીલ સેન્ટર ખોલવામાં આવશે, જેને વૈશ્વિક સ્કીલ સેન્ટરોમાં વિકસાવવામાં આવશે.
મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે, મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ રૂ. 2 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવશે. “લખપતિ દીદી” અને “કોટિપતિ મિશન” દ્વારા એક કરોડ મહિલાઓને ઉદ્યોગસાહસિકતા સાથે જોડવામાં આવશે, જેનાથી તેઓ આત્મનિર્ભર બનશે.
ખેડૂતો માટે “કિસાન સન્માન અને MSP ગેરંટી યોજના” લાગુ કરવામાં આવશે. દરેક ખેડૂતને વાર્ષિક રૂ. 3,000 ની ગ્રાન્ટ મળશે. વધુમાં, પંચાયત સ્તરે ડાંગર, ઘઉં, કઠોળ અને મકાઈની ટેકાના ભાવે ખરીદી સુનિશ્ચિત કરવામાં આવશે. રૂ. 1 લાખ કરોડના કૃષિ-માળખાકીય રોકાણોથી માછીમારી, ડેરી અને કૃષિને વેગ મળશે.
ઢંઢેરામાં કિન્ડરગાર્ટનથી અનુસ્નાતક સ્તર સુધી મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણનું વચન આપવામાં આવ્યું છે. દરેક જિલ્લામાં શાળાઓનું નવીનીકરણ કરવામાં આવશે, અને વિશ્વસ્તરીય શિક્ષણ એસ્ટેટની સ્થાપના કરવામાં આવશે. આરોગ્ય ક્ષેત્રમાં, દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો અને આધુનિક સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલો બનાવવામાં આવશે.
NDA એ બિહારમાં સાત નવા એક્સપ્રેસવે બનાવવાની, 3,600 કિમી લાંબા રેલ ટ્રેકનું આધુનિકીકરણ કરવાની અને ચાર નવા શહેરોમાં મેટ્રો સેવાઓ શરૂ કરવાની યોજનાઓની જાહેરાત કરી છે. ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપવા માટે, રૂ. 1 લાખ કરોડના રોકાણ સાથે 10 નવા ઔદ્યોગિક ઉદ્યાનો સ્થાપિત કરવામાં આવશે અને ‘મેક ઇન બિહાર’ મિશન શરૂ કરવામાં આવશે.

