બીજિંગ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન શરીફે સ્પષ્ટ કર્યું કે તેમને ભારત અને રશિયાની મિત્રતા પર કોઈ વાંધો નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાન રશિયા સાથે મજબૂત અને સારાં સંબંધો સ્થાપિત કરવા માંગે છે, જે સમગ્ર ક્ષેત્રના વિકાસ માટે લાભદાયક સાબિત થશે. મીટિંગ દરમિયાન શરીફે રશિયાની પ્રશંસા કરતા પુતિનને “ઉત્કૃષ્ટ નેતા” ગણાવ્યા હતા. પાકિસ્તાનના પ્રધાનમંત્રીના જણાવ્યા મુજબ, તેઓ ભવિષ્યમાં રશિયા સાથે મળીને અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા ઇચ્છે છે.
બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારને 80 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ચીન બીજિંગમાં વિજય પરેડ યોજવા જઈ રહ્યું છે. આ પરેડમાં શહબાજ શરીફ અને પુતિન સિવાય અનેક મોટા વિશ્વ નેતાઓ હાજર રહ્યા. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ચીન પ્રવાસે ગયા હતા, પરંતુ તેઓ એસસીઓ સમિટમાં ભાગ લઈને પરત ફરી ચૂક્યા છે. આ દરમ્યાન પાકિસ્તાન હવે ભારતના મિત્ર ગણાતા રશિયા સાથે પોતાના સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

