Site icon Revoi.in

સાવરકૂંડલામાં રેશનિંગના ઘઉં અને ચોખાનો 1.29 લાખનો જથ્થો પકડાયો

Social Share

અમરેલી, 28 જાન્યુઆરી 2026:  જિલ્લામાં રેશનિંગનો પુરવઠો કાળા બજારમાં વેચી દેવાતો હોવાની ફરિયાદો ઊઠી હતી. આથી જિલ્લા પુરવઠા વિભાગ એવર્ટ મોડમાં હતું દરમિયાન બાતમીને આધારે પુરવઠા વિભાગે સાવરકુંડલામાં રેડ પાડીને રેશનિંગનો 1.29 લાખનો જથ્થો પકડી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં અનધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવેલો સસ્તા અનાજનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

પુરવઠા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાં સસ્તા અનાજના ગેરકાયદેસર સંગ્રહ અને હેરાફેરી અંગે ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે પુરવઠા વિભાગની ટીમ દ્વારા સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સરકારી રેશન દુકાન મારફતે વિતરણ માટેનો હોવાની હકિકત મળતા રેશનિંગનો 1.29 લાખની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

પુરવઠા વિભાગે દરોડા દરમિયાન ઘઉંના કુલ 13 કટ્ટા અને ચોખાના 29 કટ્ટા ઉપરાંત બે વજનકાંટા પણ મળી આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા 1 લાખ 29 હજાર જેટલી થતી હોવાનું જાણવા મળ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા તમામ જથ્થો અને સાધનો કબજે કરી સીઝ કરવામાં આવ્યા હતા. આ બાબતે કાનૂની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સસ્તા અનાજનો જથ્થો ગેરરીતે સંગ્રહ કરી વેચાણ કે હેરાફેરી કરવાના પ્રયાસની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સાવરકુંડલા પુરવઠા મામલતદાર કીરીટ પાઠકે જણાવ્યું હતું કે, સરકારની સસ્તા અનાજ યોજના અંતર્ગત લાભાર્થીઓ સુધી પહોંચવાનું અનાજ કોઈ પણ રીતે ગેરરીતે વપરાય કે વેચાય નહીં તે માટે પુરવઠા વિભાગ સતત નજર રાખી રહ્યું છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જવાબદારાઓ સામે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Exit mobile version