
રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ વખતે પણ ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ ભરે એવા શહેરીજનોને વધુ રિબેટ આપવાની યોજના શરૂ કરતા તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગત તા. 7મી એપ્રિલથી શરૂ થયેલી આ યોજનાનો લાભ લઈ 1 લાખથી વધુ શહેરીજનોએ 45 કરોડનો મિલકત વેરો એડવાન્સમાં જ ભરી મનપાની તિજોરી છલકાવી દીધી છે. મંગળવારે બપોર સુધીમાં વેરાની આવક 73 કરોડ નજીક પહોંચી ગઈ હતી.. ઈદની સરકારી રજા હતી, પરંતુ ઓનલાઇન વેરો તો કાયમ અને 24 કલાક ભરી શકાતો હોય લોકો ઘરે કે ઓફિસે બેઠા નિરાંતે ટેક્સ ભર્યો હતો. એટલે જ 73 કરોડ જેવી આવકમાં 45 કરોડની આવક તો વેબસાઇટ પર મનપાને થઇ ગઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની જેમ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશને પણ પ્રોપર્ટી ટેક્સમાં ઓનલાઈન ભરે તો વધુ રિબેટ આપવાની જાહેરાત કરી હતી. તેને શહેરીજનોમાં સારોએવો પ્રતિસાદ મળ્યો છે. આ યોજનામાં ટેક્સ ભરવાથી રૂ.250 સુધીનું વળતર પણ મળે છે તે નોંધનીય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલના પહેલા મહિનામાં એડવાન્સ વેરા વળતર યોજના શરૂ થઇ હતી. કોરોના કાળના બે વર્ષ બાદ આ વખતે મ્યુનિ. કોર્પોરેશને પુરૂષ અને મહિલા કરદાતાને 10 અને 15 ટકા ઉપરાંત વધુ 1-1 ટકા રાહત આપી હતી.. દિવ્યાંગોને 5 ટકા વળતર આપવાનો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત દર વર્ષની જેમ રાબેતા મુજબ પ્રમાણિક કરદાતા ટેક્સ ચૂકવશે તેવો તંત્રને વિશ્વાસ હતો. પરંતુ એડવાન્સ વેરો ભરનારા લોકોની સંખ્યા બમણા સુધી વધતા તંત્રને પણ સુખદ આંચકો લાગ્યો છે.
રાજકોટ મ્યુનિના ટેક્સ શાખાના સુત્રોએ જણાવ્યું હતું કે, 3 મે સુધીમાં મ્યુનિ.કોર્પોરેશનમાં 1.43 લાખ કરદાતાએ એડવાન્સ વેરો ભરી દીધો હતો. જે સામે 72.72 કરોડની આવક થઇ હતી. પુરૂષ-મહિલા-દિવ્યાંગ કેટેગરીમાં પાત્રતા મુજબ વળતર પણ આપવામાં આવી રહ્યું છે. રાજકોટના કરદાતાઓ હવે ડિજીટલ યુગમાં વધુ સ્માર્ટ બન્યા છે તે ફરી દેખાયું છે. કારણ કે કુલ 72.72 કરોડની આવકમાં 44.89 કરોડની આવક ઓનલાઈન વેરો ભરવાથી થઈ છે. વેરો ચૂકવનારા 5.20 લાખ પૈકી 1.43 લાખ નાગરિકોમાંથી 92,079 કરદાતાએ ઓનલાઇન વેરો ભર્યો છે. કચેરીએ જઇને વેરો ભરવામાં સૌથી વધુ 33,295 લોકોએ વોર્ડ ઓફિસે જઇને ટેક્સ જમા કરાવ્યો છે. બાદમાં સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 4724 લોકોએ કર ચૂકવ્યો હતો. અત્યાર સુધીમાં થયેલી કુલ આવકમાં રોકડથી 19 કરોડની આવક થઇ છે. તો 8.82 કરોડની આવક ચેક મારફત થઇ છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક હાલત છેલ્લા વર્ષોમાં ધીમે ધીમે વધુ કથળી રહી હતી. છેલ્લે તો લોન લેવા માટે પણ રાજ્ય સરકારની મંજૂરી માગવામાં આવી હતી. તેવામાં મે મહિનાના પ્રારંભે જ 72 કરોડની આવક થઇ જતા મનપાના રોજિંદા મહેસુલી ખર્ચ કાઢવામાં મોટો ટેકો મળી રહે તેમ છે. કરદાતાઓનો ઉત્સાહ આટલો જ જળવાય રહે તો મે મહિનાના છેલ્લા દિવસ સુધીમાં આવકના વિક્રમ તૂટે તેમ છે. હજુ પુરો મે મહિનો આ વળતર યોજનાનો લાભ મળવાનો છે. બાદમાં જુન મહિનામાં પુરૂષ કરદાતાને 5 ટકા અને મહિલા કરદાતાને 10 ટકા વળતર દર વર્ષની જેમ મળી શકશે તે ઉલ્લેખનીય છે.