Site icon Revoi.in

વડોદરા નજીક ઈટોલા ગામમાં 10 ફુટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયુ

Social Share

વડોદરાઃ શહેરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મગરોની જેમ હવે અજગરો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે શહેર નજીક આવેલા ઈટોલા ગામમાં કોતરોમાંથી એક મહાકાય અજગર આવી ચડ્યો હતો. ગ્રામજનોએ મહાકાય અજગરને જોતા જ વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટને જાણ કરી હતી. વાઈલ્ટ લાઈફની એક ટીમ દોડી આવી હતી. અને ભારે જહેમત ઉઠાવીને 10 ફૂટ લાંબો મહાકાય અજગરને રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો.

વડોદરા નજીક આવેલા ઈટોલા ગામે રાતના 10.30 આસપાસ કોતરોમાંથી એક મહાકાય અજગર આવી ચડ્યો હતો. શિકારની શોધમાં આવેલા 10 ફુટ લાંબા મહાકાય અજગરને જોતા ગ્રામજનો ફફડી ગયા હતા. અને ગ્રામજનોએ ત્વરિત વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટને જાણ કરી હતી. ગામના ફળિયા પાસે કોતરમાંથી નીકળી આવેલા આશરે 10 ફૂટ લાંબા મહાકાય અજગરે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાવી દીધી હતી. આ ઘટનાની જાણ ગામના સરપંચ ગણપતભાઈએ તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને ફોન કરીને કરી હતી. અજગર ગામમાં ઘૂસી આવ્યો હોવાની સૂચના મળતાં જ ટ્રસ્ટની ટીમના સભ્યો હાર્દિક પવાર, ઈશ્વર ચાવડા તથા પ્રવીણ પરમારે તુરત જ સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ એક કલાકની સઘન જહેમત બાદ ટીમે અજગરને સલામત રીતે રેસ્ક્યુ કર્યો હતો અને તેને વડોદરા વન વિભાગના અધિકારીઓને સોંપી દીધો હતો.

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવાર અને સભ્ય હાર્દિક પવારે જણાવ્યું હતું કે, આવા મહાકાય અજગરનું રેસ્ક્યૂ જોખમી હોય છે, પરંતુ અમારી ટીમે સ્થાનિક લોકોના સહકારથી તેને સલામત રીતે બચાવી લીધો છે. અજગરને હવે વન વિભાગ દ્વારા તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડવામાં આવશે.

Exit mobile version