ભાવનગર : શહેરમાં અનેક નાગરિકોનો પ્રોપર્ટી ટેક્સ બાકી હતો. ત્યારે ટેક્સની વસુલાત માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રિબેટ યોજના શરૂ કરાતા તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા બે મહિનામાં મ્યુનિ.ને રીબેટ યોજનાના પગલે મિલ્કત વેરાની રૂ. 101.56 કરોડની આવક થઈ છે. બે મહિનામાં 1,48,457 કરદાતાએ વેરો ભરી રીબેટ યોજનાનો લાભ મેળવ્યો હતો. ઓનલાઈન બે ટકા વધુ રીબેટ હોવાથી ઘણા કરદાતાઓએ ઓનલાઈન વેરો ભર્યો હતો.
ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં મ્યુનિ. દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મિલ્કત ધારકો માટે 10 ટકા રીબેટ યોજના જાહેર કરી હતી અને ઓનલાઈન વેરો ભરનારને બે ટકા વધુ એટલે કે 12 ટકા રીબેટ આપવામાં આવ્યુ હતુ, જયારે મે માસમાં 5 ટકા રીબેટ યોજના હતી અને ઓનલાઈન વેરો ભરનારને બે ટકા વધુ એટલે કે 7 ટકા રીબેટ આપવામાં આવતુ હતું. ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનને રીબેટ યોજનાના પગલે બે મહિનામાં આશરે રૂ. 101.56 કરોડની આવક થઈ હતી. બે મહિનામાં 1,48,457 કરદાતાએ વેરો ભરી રીબેટ યોજનાનો લાભ મેળવ્યો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગત એપ્રિલ મહિનામાં 10 ટકા રીબેટ યોજનાના પગલે 1,23,362 કરદાતાએ રૂ. 84,48 કરોડનો વેરો ભર્યો હતો અને રૂ. 5.58 કરોડનુ રીબેટ મેળવ્યુ હતું. મે મહિનામાં રીબેટ ઘટીને 5 ટકા થઈ ગયુ હતુ તેમ છતા 25,095 કરદાતાએ રૂ.17.08 કરોડનો મિલ્કત વેરો ભર્યો હતો અને રૂ. 45 લાખનુ રીબેટ મેળવ્યુ હતુ, આમ રીબેટ યોજનાના પગલે કરદાતા અને મ્યુનિ.ને બંનેને ફાયદો થયો હતો. કરદાતાઓને રીબેટ મળ્યુ હતુ, જયારે મ્યુનિને વેરાની સારી આવક થઈ હતી. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે મ્યુનિને વેરાની આવક પણ ઘણી વધી છે અને વેરો ભરનાર કરદાતાઓ પણ વધ્યા છે. ગત તા. 31 મેએ રીબેટ યોજના પૂર્ણ થઈ ગઈ છે તેથી હવે મ્યુનિદ્વારા વેરો વસુલવાની કાર્યવાહી કરવામાં આવશે.