Site icon Revoi.in

પાટડીના રણ વિસ્તારમાં 133 મેગાવોટના 11 સોલાર પ્લાન્ટમાં રોજ 6 લાખ યુનિટ વીજ ઉત્પાદન

Social Share

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં રાજ્ય સરકારની પ્રોત્સાહત નીતિને કારણે સોલાર વીજ ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાટડીના રણકાંઠા વિસ્તારમાં સોલાર ઊર્જા ઉત્પાદનમાં ક્રાંતિ આવી છે. એક સમયે વીજ કટોકટીથી પીડાતા આ વિસ્તારમાં આજે રોજની 6 લાખ યુનિટ વીજળી પેદા થાય છે. રણકાંઠાના 6 ગામોમાં કુલ 133 મેગાવોટના 11 સોલાર પ્લાન્ટો હાલ કાર્યરત છે. અને નવા પ્લાન્ટો સ્થાપવામાં આવી રહ્યા છે. હાલ 11 સોલાર પ્લાન્ટ્સમાં ફતેપુરમાં 2, ધામામાં 3, સુરેલ-વીસનગરમાં 1, પાટડીમાં 3, માવસર-ગોરિયાવાડમાં 1 અને રાજપર-ભડેણામાં 1 એમ 11 પ્લાન્ટ કાર્યરત છે. આ પ્લાન્ટો દ્વારા ઉત્પાદિત વીજળી વીજ કંપનીઓને આપવામાં આવે છે. વીજ કંપનીઓ યુનિટ દીઠ 10થી 15 રૂપિયા ચૂકવે છે. એક મેગાવોટ સોલાર પ્લાન્ટ રોજની સરેરાશ 4500થી 5000 યુનિટ વીજળી પેદા કરે છે. 3 કિલોમીટરની અંદર આવેલા સબ સ્ટેશન સુધી વીજળી પહોંચાડવાનો ખર્ચ વીજ કંપની ઉઠાવે છે. 3 કિલોમીટરથી વધુ અંતર માટે ખર્ચ સોલાર કંપનીએ ભોગવવો પડે છે.

વીજ કંપનીના અધિકારીએ માહિતી આપી કે પાટડી તાલુકાના 89 ગામોમાં માસિક વીજ વપરાશ લગભગ 20 લાખ યુનિટ છે. ભવિષ્યમાં રણકાંઠા વિસ્તારમાં વધુ સોલાર પ્લાન્ટો સ્થાપવાની શક્યતા છે. આ વિકાસથી એક સમયે સૂકાભઠ્ઠ વિસ્તાર તરીકે ઓળખાતો પ્રદેશ હવે પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે.