1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના 14,620 ગામોમાં 129 રથો બે મહિના પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી આપશે
ગુજરાતના 14,620 ગામોમાં 129 રથો બે મહિના પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી આપશે

ગુજરાતના 14,620 ગામોમાં 129 રથો બે મહિના પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી આપશે

0
Social Share

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યાત્રાધામ અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો

અંબાજીઃ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યશક્તિ માં અંબાના દર્શન કરી અંબાજી નજીક ચીખલા ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાને પુષ્પાજંલિ અર્પણ કરી જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર રાજ્યના 14,620 ગામોમાં 129 રથો બે મહિના સુધી પરિભ્રમણ કરી સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે જેનો લાભ રાજ્યના અંતરિયાળ  વિસ્તારમાં વસતા વન બંધુઓને મળશે. આ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડ રાજ્યમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુલામીની માનસિકતાને ત્યજી વર્ષ-2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું કે, આદિવાસીઓના ભૂલાયેલા ઇતિહાસને ઉજાગર કરવા તથા આદિજાતિઓના ગૌરવ અને સ્વાભિમાનને પુન: સ્થાપિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળથી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને વિકસિત ભારત યાત્રાનો શુભારંભ કરાવ્યો છે. જો માનવ શરીરનું પ્રત્યેક અંગ સારુ હોય તો જ માણસ સારી રીતે જીવન જીવી શકે એવી જ રીતે સમાજના તમામ લોકો શિક્ષિત હોય, સમૃદ્ધ હોય તો જ રાષ્ટ્રનો વિકાસ થઇ શકે એમ જણાવી તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબો, શોષિતો, પીડિતો, દલિતો સહિત સમગ્ર માનવ સમાજના કલ્યાણ માટે કામ કરે છે. દેશમાં પ્રથમવાર ભારતના સર્વોચ્ચ પદ પર આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવી આદિવાસીઓનું ગૌરવ વધાર્યુ છે એવી જ રીતે સમગ્ર વિશ્વમાં ભારતના ગૌરવને વધારવાનું કામ વડાપ્રધાનએ કર્યુ છે. તેમણે આદિવાસી લોકોની સરળતા, સજ્જનતામાંથી પ્રેરણા લેવાની વાત કરતાં કહ્યું કે વિશ્વમાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે ત્યારે પ્રકૃતિમય જીવન જીવતા આદિવાસીઓના જીવનમાંથી પ્રેરણા મેળવી સુખ-શાંતિ મેળવી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત સૌને દિવાળીના પ્રકાશ પર્વ અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી નવા વર્ષનો પહેલો જાહેર કાર્યક્રમ મા અંબાજીના ધામ અને આદિજાતિ વિસ્તાર દાંતા, બનાસકાંઠાથી કરી રહ્યાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંબાજીથી ઉમરગામ, વલસાડથી ઝારખંડ અને છેક નોર્થ-ઇસ્ટ સુધીના તમામ આદિવાસી સમુદાયના કલ્યાણ તેમજ જનજાતિય વિસ્તારના વિકાસ માટે દેશને આગવી દિશા આપી છે.

ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવીને આદિવાસીઓના સર્વાંગી વિકાસનો પાયો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાંખ્યો છે એમ જણાવી મુખ્યમંત્રીએ જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિવાસી બાંધવોની રહેણી કહેણી, પ્રથાઓ અને પ્રકૃતિ સાથેના અનુકૂલનને અતૂટ રાખીને તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની પરિપાટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે એમ જણાવ્યું હતું.

આદિવાસી વિસ્તારના ગ્રીન ગ્રોથ, હોલિસ્ટિક ડેવલોપમેન્ટ કરી આદિવાસી સમુદાયનો ઇતિહાસ, અસ્મિતા અને વિરાસતો વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું અને સૌ તેનું ગૌરવગાન કરે તેવા આયામો વડાપ્રધાનએ કર્યા છે. તો ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવી વડાપ્રધાનએ સમગ્ર આદિજાતિ સમુદાયને ગૌરવ અપાવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code