સાયલામાં 1400 કિલો ચાંદીની લૂંટઃ પોલીસે બનાવ સ્થળની આસપાસના CCTV ફુજેટ ચેક કર્યાં
અમદાવાદઃ સુરેન્દ્રનગરના સાયલામાં 1400 કિલો ચાંદીની સનસનાટી ભરી લૂંટની ઘટનામાં હજુ પોલીસ લૂંટારુઓ ઝડપાયા નથી. પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે 12 જેટલી ટીમો બનાવી હતી. પ્રાથમિક તપાસમાં આ લૂંટની ઘટનામાં સાત આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારના સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ શરૂ કરી છે. લૂંટની સમગ્ર ઘટનામાં જાણભેદુની સંડોવણીની શકયતાઓ વ્યક્ત કરાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટથી કુરિયરની ગાડી કેટલાક આંગડિયા પેઢીનો સામન લઈને રાત્રિના સમયે અમદાવાદ આવવા નીકળી હતી. દરમિયાન સાયલા નજીક 3 મોટરકારમાં આવેલા અજાણ્યા શખ્સોએ કુરિયર કંપનીની ગાડી અટકાવી હતી. તેમજ કુરિયાર કંપનીના કર્મચારીને બંધક બનાવીને 1400 કિલો ચાંદીની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને લૂંટારુઓને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણ થઈ હતી કે, 7 જેટલા લૂટારૂઓ હિન્દી તથા ગુજરાતીમાં બોલતા હતા. આ ઘટનાને પગલે રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાતે સઘન તપાસ શરૂ કરી છે . આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી છે કે આ ગેંગ આંતરરાજ્ય તેમજ સ્થાનિક ગેંગ હશે. પોલીસ હાત તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે. પોલીસે બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરામાં ફુજેટ તપાસવામાં આવી રહ્યાં છે.