Site icon Revoi.in

અમદાવાદ રેલવે ડિવિઝનમાં છેલ્લા 4 વર્ષમાં 15.86 લાખ ખૂદાબક્ષો ઝડપાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા પ્રવાસીઓ ચેકિંગ દરમિયાન પકડાતા હોય છે. અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા સમયાંતરે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરીને છેલ્લા 4 વર્ષમાં 15.86 લાખ લોકોને ટિકિટ વિના પ્રવાસ કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા, અમદાવાદ ડિવિઝનમાં પ્રતિદિન સરેરાશ 934  પ્રવાસીઓને ટિકિટ વિના તેમજ અન્ય નિયમોનો ભંગ કરતા પકડવામાં આવે છે.

અમદાવાદ સ્ટેશન સહિત ડિવિઝનની ટ્રેનોમાં હાથ ધરાયેલી ચેકિંગ ઝૂંબેશ દરમિયાન એપ્રિલ 2020થી નવેમ્બર 2024 દરમિયાન કુલ 15.86 લાખ જેટલા ખુદાબક્ષોને પકડવામાં આવ્યા હતા. અને તેમની પાસેથી દંડ પેટે 101 કરોડ રૂપિયા વસૂલ કરાયા હતા. એટલે કે આ સમયગાળા દરમિયાન દરરોજના સરરાશ 934 કેસ નોંધાવાની સાથે રેલવે દંડ પેટે રોજના સરેરાશ 5.98 લાખ રૂપિયા વસૂલ કરી રહી છે.

અમદાવાદ રેલવે ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં નવેમ્બર 2024 સુધીમાં રેલવેએ 1.78 લાખ ખુદાબક્ષોને ઝડપી તેમની પાસેથી 13.46 કરોડ રૂપિયા દંડ વસૂલ કર્યો હતો. જેના પગલે રેલવે એ દંડ પેટે આ સમગાળામાં કુલ 13.46 કરોડ રૂપિયા એટલે કે રોજના સરેરાશ 5.61 લાખ રૂપિયા વલૂસ કર્યા છે. આમ અગાઉના વર્ષોની સરખામણીમાં આ વર્ષે ઓછા કેસ નોંધાવાની સાથે દંડની રકમ પણ ઓછી થઈ છે. રેલવે દ્વારા ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતા, જનરલ ટિકિટ લઈ સ્લીપર કોચમાં મુસાફરી કરતા, વધુ લગેજ લઈ મુસાફરી કરતા, સ્ટેશન પર કે કોચમાં ગંદકી કરતા તેમજ સ્મોકિંગ કરતા લોકોને ઝડપી પાડવા રેગ્યુલર ચેકિંગ ઉપરાંત અવારનવાર ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં ચેકિંગ અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાન હેઠળ આવા ખુદાબક્ષોને ઝડપી તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે.