26-27ના બજેટમાં કરાયેલી ખાસ જાહેરાત
- શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં વધારો કરતાં નવા ૧૨૧ કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે,
- ધન્વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરી વધુ નવા 50 રથ શરૂ કરાશે,
- સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે વિદ્યાર્થીઓ માટે ₹૫૯૬૭ કરોડની જોગવાઇ,
- ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે.
ગાંધીનગર, 18 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભામાં આજે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું બજેટ રજુ કરતા જણાવ્યું હતું કે, VB-G RAM G (વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મીશન(ગ્રામીણ)) યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવેલ છે. જેમાં કામના દિવસો ૧૦૦થી વધારી ૧૨૫ કરવામાં આવેલ છે. જેના માટે કુલ ₹૧૫૦૦ કરોડનું આયોજન કરેલ છે. આ ઉપરાંત બાંધકામ શ્રમયોગીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં વધારો કરતાં નવા ૧૨૧ કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે. તેમજ શ્રમયોગીઓને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવા આપતાં કુલ ૧૫૪ ધન્વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરતાં વધુ નવા ૫૦ આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ ₹૨૬૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
નાણામંત્રીએ જણાવ્. હતું કે, ગુજરાતની વસ્તીમાં ૩૬% કરતા વધુ યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા તેમજ તેને આગળ વધવા સમાન અવસર મળે તે માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે ૯૭ લાખ વિદ્યાર્થીઓને ₹૫૯૬૭ કરોડની જોગવાઇ શિષ્યવૃત્તિ માટે કરું છું. ભારત સરકારની પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કન્યાઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય અને વાર્ષિક ₹૨ લાખ ૫૦ હજાર આવક મર્યાદા ધરાવતા કુમારોને આ લાભ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિનો લાભ વધુ કુમાર વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે તેઓની વાર્ષિક આવક મર્યાદા ₹૨ લાખ ૫૦ હજારથી વધારીને ₹૬ લાખ કરવાની જાહેરાત કરું છું.
નાણા મંત્રીએ પોતાના અંદાજપત્રિય પ્રવચનમાં આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના આશ્રમશાળાઓ અને ગ્રાન્ટ-ઈન-એઈડ છાત્રાલયોમાં અભ્યાસ કરતા આશરે ૨,૭૭,૫૫૨ વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય ₹૨૧૬૦માં ₹૩૪૦નો વધારો કરી ₹૨૫૦૦ કરવાની જાહેરાત કરી હતી, તેમજ અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે વધુ ૯૨૬ પી.એમ.શ્રી શાળાઓ શરૂ કરવામાં આવશે.
નાણા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “એક કેમ્પસ-અવિરત શિક્ષણ-મજબૂત ભવિષ્ય”ના ધ્યેય સાથે બાલવાટિકાથી ધોરણ-૧૦ સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં તૂટ ન પડે તે માટે સંકલિત શાળાઓ બનાવવાની જાહેરાત કરું છું. જેનાથી શિક્ષણમાં ગુણવત્તા અને સ્થિરતા જળવાઇ રહેશે. તેના માટે ₹૧૨૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
ગાંધીનગર ખાતે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી સ્થાપવામાં આવશે. જેમાં અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના માટે આ બજેટમાં ₹૧૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરવાના આયોજનના ભાગરૂપે આ વર્ષે ૧૫ તાલુકાઓમાં લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કરું છું. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહના પ્રવેશમાં રસ વધેલ છે. જેના કારણે છેલ્લાં બે વર્ષમાં કુલ પ્રવેશમાં ૧૯% જેટલો વધારો થયેલ છે. જેના માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ સૂચવું છું.
દિવ્યાંગજનને શાળામાં અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ એલાઉન્સ આપવા તેમજ અન્ય સુવિધાઓ માટે આયોજન કરેલ છે. સરકારે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપી યુવાનોને આત્મનિર્ભર તેમજ રોજગારલક્ષી બનાવવા અનેક પગલાં ભર્યા છે. ઉદ્યોગો સાથે સક્રિય ભાગીદારીથી ભાવિ જરૂરિયાતોને અનુરૂપ માનવ સંસાધન તૈયાર કરવાના હેતુસર નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશનને વેગ આપવા ₹૨૨૬ કરોડની જોગવાઇ સૂચવું છું.


