રાજકોટ, 19 એપ્રિલ 2026: Forms for admission to RTE can be filled till April 23rd ગરીબ પરિવારોના બાળકો ખાનગી શાળાઓમાં પ્રવેશ લઈને ભણી શકે તે માટે આરટીઈ ( રાઈટ્સ ટુ એજ્યુકેશન) હેઠળ વાલીઓની આવક મુજબ પ્રવેશ આપવામાં આવે છે. અનાથ, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી મફત શિક્ષણ મેળવી શકે તે માટે રાઇટ ટૂ એજ્યુકેશનનો કાયદો છે. 2026-27માં RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ, 2026ના રાત્રીના 12:00 કલાક સુધી રાખવામાં આવી હતી. પરંતુ હવે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરી તા. 23 એપ્રિલ, 2026, ગુરુવાર સુધી વેબપોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે.
સૂત્રોના કહેવા મુજબ આ વખતે RTE એડમિશનમાં રહેઠાણના પુરાવા તરીકે રાશનકાર્ડ માન્ય રાખવામાં આવ્યું નથી. આ ઉપરાંત આંગણવાડીના બાળકોને પ્રાયોરિટી કેટેગરીમાં પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં RTEની 6062 સીટ સામે 20,333 ફોર્મ ભરાયા છે. કુલ જગ્યા સામે ત્રણ ગણાથી વધુ ફોર્મ ભરાયા છે. જેથી એવું ચોક્કસ કહી શકાય કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ મળતા નથી અને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ માટે વિદ્યાર્થીઓની કતાર લાગે છે.
રાજ્યના નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના ઉપસચિવ અમિત સંગાડા દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે, રાશનકાર્ડ ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય રાખી શકાશે નહીં. જેથી RTE હેઠળ એડમિશન વખતે ઓળખ કે રહેઠાણના પુરાવા તરીકે રાશનકાર્ડ માન્ય ગણવામાં આવ્યું નથી. આ ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને ધો. 1 માં RTE માં એડમિશનમાં પ્રાયોરિટી આપવામાં આવી નથી. ગત વર્ષે પ્રયોરીટી કેટેગરીમાં આંગણવાડીના બાળકો 9માં ક્રમે હતા. જે હવે પાછળ ધકેલાઈને 12માં ક્રમે આવી ગયા છે.


