1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંબાજી નજીક રીંછડી ગામના તળાવમાં નહાવા પડેલા 3 બાળકોના ડૂબી જતા મોત
અંબાજી નજીક રીંછડી ગામના તળાવમાં નહાવા પડેલા 3 બાળકોના ડૂબી જતા મોત

અંબાજી નજીક રીંછડી ગામના તળાવમાં નહાવા પડેલા 3 બાળકોના ડૂબી જતા મોત

0
Social Share

અંબાજી, 7 જુન, 2026 3 children drown while bathing in the lake રાજ્યમાં સ્વિમિંગ પુલ, તળાવો અને કેનાલોમાં નહાવા પડતા ડૂબી જવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં અંબાજી નજીક પાનસા ગ્રુપ ગ્રામ પંચાયતના રીંછડી ગામના તળાવમાં નાહવા પડેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. મૃતકોમાં 2 સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટના શનિવારે બપોરના સમયે બની હતી. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર 7, 8 અને 10 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. આદિવાસી સમાજના 3 માસૂમ બાળકોના અકાળે મોતથી સ્થાનિક પરિવારો અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

 આ બનાવની વિગત એવી છે કે, શનિવારે બપોરે લગભગ 2 વાગ્યે 4 બાળકો તળાવમાં નાહવા માટે ગયા હતા. તેમાંથી એક બાળકીને તરતા ન આવડતું હોવાથી તે તળાવના કિનારે જ બેસી રહી હતી. જોકે, લાંબા સમય સુધી અન્ય 3 બાળકો પાણીમાંથી બહાર ન આવતા, ગભરાયેલી બાળકીએ તાત્કાલિક ઘરે પહોંચીને પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને સ્થાનિક અગ્રણીઓ તળાવ કિનારે દોડી આવ્યા હતા. તળાવમાં ડૂબેલા બાળકોને બહાર કાઢવા માટે સરપંચ અને તલાટી સહિત મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. અને ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા.

રીંછડી ગામના લોકોએ આ દુર્ઘટના પાછળ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો આ તળાવમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસકાર્યો ચાલી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વિકાસકામ કરી રહેલી કંપની કે કોન્ટ્રાક્ટર દ્વારા તળાવની આસપાસ કોઈ પણ જગ્યાએ ચેતવણી આપતા સૂચના બોર્ડ લગાવવામાં આવ્યા નથી કે નથી ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યો.  કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ દરમિયાન તળાવમાં ભારે ઊંડા ખાડા કરવામાં આવ્યા છે. પાણી ભરેલું હોવાથી બાળકોને આ ખાડાઓનો અંદાજ આવ્યો ન હતો અને તેઓ ઊંડા પાણીમાં ફસાઈ જતાં આ કાળમુખી ઘટના ઘટી હતી. સ્થાનિકોએ આ મામલે તંત્ર સામે રોષ વ્યક્ત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code