ગોધરા, 5 ઓગસ્ટ 2026 : Deep potholes at various spots on the Ahmedabad-Indore National Highway અમદાવાદ–ઈન્દોર નેશનલ હાઈવે પર ગોધરા નજીક ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. હાઈવે પર વાહનચાલકો પાસેથી ટોલ વસુલાતો હોવા છતાંયે હાઈવે પરના ખાડા પૂરવામાં આવતા નથી. હાઈવે પર ઊંડા ખાડાને લીધે બાઈકચાલકો, એમ્બ્યુલન્સ, સ્કૂલ બસ તેમજ ભારે વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદ–ઈન્દોર નેશનલ હાઈવેની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. ખાસ કરીને ગોધરા પરવડી બાયપાસ પાસે આવેલા કંકુથાંભલા ગામ નજીક હાઈવે પર મોટા અને ઊંડા ખાડાઓ પડી જતાં અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. ખાડાઓથી બચવા માટે વાહનચાલકો અચાનક પોતાની લેન બદલી રહ્યા છે, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાવાનું જોખમ અનેકગણું વધી ગયું છે. રાત્રિના સમયે પૂરતી સ્ટ્રીટ લાઈટોના અભાવે આ ઊંડા ખાડાઓ દેખાતા નથી, જેથી સ્થિતિ વધુ ભયાનક બની જાય છે. આ ખરાબ રસ્તાને કારણે બાઈકચાલકો, એમ્બ્યુલન્સ, સ્કૂલ બસ તેમજ ભારે વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત ખાડાઓમાંથી વાહનો પસાર થવાને કારણે ટાયર અને સસ્પેન્શનને મોટું નુકસાન પહોંચી રહ્યું છે, જેથી વાહનચાલકો પર આર્થિક બોજ પણ વધી રહ્યો છે.
અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર નિયમિત ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવા છતાં, હાઈવેની યોગ્ય જાળવણી ન થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો અને વાહનચાલકોની એક જ માંગ છે કે, તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ખાડાઓ પૂરીને હાઈવેનું સમારકામ કરવામાં આવે, અને માર્ગને સુરક્ષિત બનાવવામાં આવે. જો સમયસર સમારકામ કરવામાં નહીં આવે, તો કોઈ મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી ભીંતિ સેવાઈ રહી છે.

