1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 17 લાખથી વધુ વિધવા મહિલાઓને વર્ષ 2025-2026માં રૂ. 2600 કરોડ ચુકવાયા
ગુજરાતમાં 17 લાખથી વધુ વિધવા મહિલાઓને વર્ષ 2025-2026માં રૂ. 2600 કરોડ ચુકવાયા

ગુજરાતમાં 17 લાખથી વધુ વિધવા મહિલાઓને વર્ષ 2025-2026માં રૂ. 2600 કરોડ ચુકવાયા

0
Social Share

ગાંધીનગર, 5 ઓગસ્ટ 2026: Rs 2,600 crore paid to 1.7 million widows in the year 2025-26 વડાપ્રધાન  નરેન્દ્ર મોદી માટે મહિલા સશક્તિકરણ એ માત્ર એક સૂત્ર નહીં, પરંતુ સુશાસનનો અભિન્ન ભાગ રહ્યો છે. તેમના આ અભિગમને અનુસરીને ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિવિધ મહિલાલક્ષી યોજનાઓનું અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પૈકી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એક મહત્વપૂર્ણ યોજના છે, જેના હેઠળ લાખો મહિલાઓ આજે સશક્ત અને આત્મનિર્ભર બની છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્યમાં આ યોજના હેઠળ ૧૭ લાખથી વધુ મહિલાઓને રૂ.૨૬૦૦ કરોડથી વધુની આર્થિક સહાય આપવામાં આવી છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનું વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રૂ.૨૮૪૭.૮૨ કરોડ

ઉલ્લેખનીય છે કે, રાજ્યની વિધવા મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર બને અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ વધુ ને વધુ વિધવા મહિલાઓને આર્થિક લાભ મળે એ માટે રાજ્ય સરકારે માતબર બજેટની ફાળવણી કરી છે. વર્ષ ૨૦૨૬-૨૭માં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે રૂ.૨૮૪૭.૮૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વર્ષ ૨૦૨૫-૨૬ના આંકડા મુજબ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ ૧૭.૬૦ લાખ વિધવા મહિલાઓને રૂ.૨૬૫૪.૮૩ કરોડની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે. આ ગંગા સ્વરૂપા મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળની જોગવાઈઓ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં વિધવા મહિલાઓને આપવામાં આવતી માસિક આર્થિક સહાય વધારીને રૂ.૧૨૫૦ કરવામાં આવી હતી, તેમજ આ રકમ લાભાર્થી મહિલાઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અગાઉ વિધવા મહિલાનો પુત્ર પુખ્ત વયનો (૨૧ વર્ષ) થતાં ગંગા સ્વરૂપા બહેનોની સહાય બંધ કરવામાં આવતી હતી. આ શરત રદ કરીને હવે ગંગા સ્વરૂપા બહેનોને આજીવન આ યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે.

આ ઉપરાંત, ગ્રામીણ મહિલાઓ માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.૪૭,૦૦૦ થી વધીને રૂ.૧,૨૦,૦૦૦ જ્યારે શહેરી મહિલાઓ માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.૬૮,૦૦૦ થી વધીને રૂ.૧,૫૦,૦૦૦ કરવામાં આવી છે. આના પરિણામે, લાભાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ૨૦૧૮-૧૯માં જે લાભાર્થીઓની સંખ્યા ૧.૬૪ લાખ હતી, તે માર્ચ-૨૦૨૬ સુધીમાં ૧૭.૬૦ લાખ સુધી પહોંચી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code