
ઈઝરાયલ ઉપર આતંકી સંગઠન હમાસના હુમલામાં 45 દેશના 160 નાગરિકોના થયા મોત
નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ ઈઝરાયલે પણ હમાસ સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. ઈઝરાયની સેના હાલ ગાઝા પટ્ટી ઉપર હમાસના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. બીજી તરફ આતંકવાદી સંગઠન હમાસ પણ ગાઝા પટ્ટીના નાગરિકોને ઢાલ બનાવીને ઈઝરાયલ ઉપર રોકેટથી સતત હુમલા કરી રહ્યું છે. દરમિયાન હમાસના હુમલામાં અત્યાર સુધીમાં ઈઝરાયલના સ્થાનિક નાગરિકોની સાથે વિદેશી નાગરિકોના પણ મોત થયા છે. હમાસના હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 45 દેશના 160 જેટલા નાગરિકોના મોત થયાં છે. જ્યારે લગભગ 150 જેટલા વિદેશી નાગરિકો ગુમ છે. આ નાગરિકો ઈઝરાયલ ફરવા અને રોજગારી માટે આવ્યાં હતા.
ઈઝરાયલના સુત્રોના જણાવ્યા અનુસાર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલામાં અમેરિકા, થાઈલેન્ડ, રશિયા અને યુક્રેન સહિત લગભગ 45 દેશના નાગરિકોના પણ મોત થયાં છે. હુમલામાં અમેરિકાના 29, થાઈલેન્ડના 15, રશિયાના 13, યુક્રેનના 12, નેપાળના 8 અને અર્જેન્ટીનાના 8 નાગરિકના મોત થયાં છે. આવી જ રીતે અમેરિકાના 18, થાઈલેન્ડના 9, રશિયાના 13, યુક્રેનના 7 અને અર્જેન્ટીનાના 20 જેટલા નાગરિકો ગુમ છે. આ નાગરિકોને શોધવાની કવાયત ઈઝરાયલ સેના દ્વારા કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 4200થી વધારે નાગરિકોના મોત થયાં છે. ઈઝરાયલમાં લગભગ 1500થી વધારે નાગરિક મૃત્યુ થયાં છે. જ્યારે ગાઝામાં લગભગ 2500 જેટલા નાગરિકોના મોત થયાં છે. ઈઝરાયલે આતંકવાદી સંગઠન હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.