Site icon Revoi.in

ખરીફ પાકના ટેકાના ભાવે વેચાણ માટે એક જ દિવસમાં 2.17 લાખ ખેડૂતોનું રજિસ્ટ્રેશન

Social Share

ગાંધીનગરઃ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી શરૂ થયા બાદ પોર્ટલ ક્રેશ થયું હતું. પોર્ટલ ક્રેશ થવા પાછળનું કારણ સ્પષ્ટ કરતા કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે નોંધણી શરૂ થયા બાદ એક જ દિવસમાં ૪,૫૦૦ VCE લૉગિન થયા હતા અને અંદાજે ૫૯,૦૦૦ નોંધણી પૂર્ણ થઈ હતી. આ ટ્રેન્ડને ધ્યાને રાખીને ચાલુ વર્ષે પોર્ટલને ૪,૫૦૦ VCE ઉપરાંત ૩૦ ટકા વધારાની ક્ષમતા સાથે કાર્યરત કરવામાં આવ્યું હતું.

આ વર્ષે નોંધણીના પ્રથમ દિવસે જ એક સાથે ૯,૦૦૦ VCE લૉગિન થયા હતા. જેથી ગત વર્ષની સરખામણીએ લોડમાં ૧૦૦ ટકા એટલે કે બમણો વધારો થતા આ પોર્ટલ ક્રેશ થયું હતું. અચાનક વધી ગયેલા લોડથી સિસ્ટમ ક્રેશ થયા બાદ પોર્ટલની ક્ષમતા વધારીને તેને બીજા જ દિવસે સવારથી પુનઃ કાર્યરત કરવામાં આવ્યું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પોર્ટલની ક્ષમતા વધાર્યા બાદ હાલમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર સરળતાપૂર્વક નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. આજે તા. ૩ સપ્ટેમ્બરના રોજ બપોરે ૨.૦૦ કલાક સુધીમાં જ રાજ્યના ૨.૧૭ લાખથી વધુ ખેડૂતોએ ૯,૦૦૦ VCE મારફત ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરી છે. રાજ્યના ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે કૃષિ વિભાગે તાત્કાલિક ધોરણે સિસ્ટમને મહત્તમ કાર્યક્ષમતાએ પુનઃસ્થાપિત કરી હતી, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.