કર્નૂલ: આંધ્રપ્રદેશના કર્નૂલ જિલ્લાના ચિન્નાતેકુર નજીક એક ખાનગી બસ અને બાઇક વચ્ચે થયેલી ભીષણ ટક્કર બાદ બસમાં આગ લાગતાં 20 લોકો જીવતા ભૂજાયાં હતા. જ્યારે 21 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, મૃતકોમાં બાઇક સવાર વ્યક્તિનો પણ સમાવેશ થાય છે.
પ્રાથમિક માહિતી મુજબ, હૈદરાબાદ તરફ જઈ રહેલી બસ સવારે આશરે 3 થી 3:10 વાગ્યાના દરમિયાન બાઇક સાથે અથડાઈ હતી. ટક્કર બાદ બાઇક બસની નીચે ફસાઈ ગઈ અને ઇંધણ ટાંકીનું ઢાંકણ ખુલતાં આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટને કારણે બસનો દરવાજો જામ થઈ ગયો હતો, જેના કારણે મુસાફરો બહાર ન નીકળી શક્યા અને બસ થોડી જ મિનિટોમાં સંપૂર્ણ રીતે સળગી ખાખ થઈ ગઈ હતી.
કર્નૂલ જિલ્લાના કલેક્શનર ડૉ. એ. સિરિએ જણાવ્યું કે દુર્ઘટનાના સમયે બસમાં કુલ 41 મુસાફરો સવાર હતા, જેમાંથી 21ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બાકી રહેલા 20 મુસાફરોના દાઝી મોત થયા છે, જેમાંથી 11નાં મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે, જ્યારે બાકીના લોકોની ઓળખની પ્રક્રિયા ચાલુ છે. કર્નૂલ રેન્જના ડીઆઈજી કોયા પ્રવીણએ જણાવ્યું કે 19 મુસાફરો, બે બાળકો અને બે ડ્રાઈવર બચી ગયા છે. આગ લાગતાં મુસાફરોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. ઘાયલ મુસાફરોને કર્નૂલ જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, મોટાભાગના મુસાફરો હૈદરાબાદ શહેરના નિવાસી હતા. દુર્ઘટના બાદ બસના ડ્રાઇવર ફરાર થઈ ગયા હોવાની માહિતી મળી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ભીષણ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ‘X’ પર લખ્યું કે, “આંધ્રપ્રદેશના કર્નૂલ જિલ્લામાં થયેલા દુઃખદ બસ આગકાંડમાં થયેલા મોત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હું શોકસંતપ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમઓ દ્વારા જાહેર નિવેદન મુજબ, તેમણે જણાવ્યું કે, “કર્નૂલ જિલ્લામાં થયેલી આ દુર્ઘટનામાં થયેલા જાનહાનિથી હું અત્યંત દુઃખી છું. મારી સંવેદના પીડિત પરિવારો સાથે છે.” પીએમ મોદીએ જાહેરાત કરી કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી દરેક મૃતકના પરિવારને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની સહાય આપવામાં આવશે.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ પણ વ્યક્ત કર્યો શોક હતો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ પણ આ દુર્ઘટનાને “અતિશય દુર્ભાગ્યપૂર્ણ” ગણાવી જણાવ્યું કે, “કર્નૂલ જિલ્લાના ચિન્નાતેકુર ગામ પાસે થયેલી ભીષણ બસ આગ દુર્ઘટનાની ખબરથી મને ઊંડો આઘાત પહોંચ્યો છે. મારી સંવેદના તેમના પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. સરકારી તંત્ર ઘાયલો અને પીડિત પરિવારોને દરેક શક્ય મદદ પહોંચાડશે.”

