
RTOમાં લાયસન્સના બેકલોગની 2000 અરજીઓ પેન્ડિંગઃ અરજદારોને જાણ કરાતી નથી
અમદાવાદઃ શહેરમાં સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં લાઇસન્સના બેકલોગ માટે ઓનલાઇન પ્રોસેસ કર્યા પછી અરજદારને આરટીઓમાં રૂબરૂમાં ધક્કા ખાવા પડે છે. હાલમાં બેકલોગની 2000 અરજી પેન્ડિંગ છે. અધિકારીઓનો દાવો કરી રહ્યા છે કે, ચાર દિવસમાં અરજીનો નિકાલ કરાય છે. જ્યારે અરજદારોએ કહી રહ્યા છે, કે બેકલોગનો કોઇ મેસેજ આવતો નથી.
શહેરમાં કરોનાના સંક્રમણને કારણે હાલ આરટીઓમાં મોટાભાગના કામો ઓનલાઈન કરવામાં આવે છે. ત્યારે આરટીઓના અધિકારીઓ પરેશાની ઉભી થાય તેવી સ્થિતિ સર્જી રહ્યા છે. અરજીની સાથે પૂરતા પુરાવા ના હોય તો અરજી બેક કરે છે. જેની અરજદારને કોઇ જાણકારી નહીં હોવાથી અરજીની તપાસ માટે અરજદાર આરટીઓમાં રૂબરૂમાં આવે તો સિક્યોરિટીના ગાર્ડ 25મી પછી આવવાનું કહી પરત કાઢે છે.
દસ દિવસના બદલે મહિના સુધી અરજીનો નિકાલ થતો નથી. કમિશનર કચેરીમાં કરેલી રજૂઆતનો પણ જવાબ મળતો નથી. વાહનની 2010 પહેલાની આરસીબુકને બેકલોગ કરાવવી ફરજિયાત છે. ઓનલાઇન સિસ્ટમમાં ઠેકાણા નહીં હોવાથી અરજદારો રૂબરૂમાં આવે છે. હાલ કોવિડનું બહાનું કાઢી આરસીબુકના બેકલોગની કામગીરી જ બંધ કરી દેવાઇ છે. જેના કારણે વાહન વેચનારને ભારે સમસ્યા પડી રહી છે.
સરકારે ઓનલાઇન કામગીરી ચાલુ રાખવા કરેલા આદેશનું આરટીઓ કચેરીમાં જ ઉલ્લંઘન થઈ રહ્યું છે. અરજદારોને મજબુરીમાં એજન્ટો સાથે કામ કરાવવું પડે છે.