Site icon Revoi.in

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 2000 બેડ ક્ષમતા ધરાવતી હોસ્પિટલ નિર્માણાધીન

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસ ખાતે ચેપી રોગની હોસ્પિટલના નવા બાંધકામ સંદર્ભે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જુના ઈન-ડોર બ્લોક વોર્ડ , બ્લોક A થી D , અને ઓલ્ડ ટ્રોમા સેંટરના જુના મકાનો તોડી તેના સ્થાને નવીન ઓપીડી, 900  પથારીની નવીન જનરલ હોસ્પિટલ,500 પથારીની ઈન્ફેશ્યસ ડીસીઝ (ચેપીરોગના) દર્દીઓ માટે હોસ્પિટલ બાંધવાનું આયોજન હાથ ધરાયું છે.

મંત્રી ઋષિકેશ પટેલે વિશેષમાં જણાવ્યું હતું કે, આ કામગીરી માટે અંદાજીત કુલ રૂ.588 કરોડની વહીવટી મંજૂરી અપાઇ છે. જેમાં અત્યારસુધીમાં છેલ્લા ચાર વર્ષમાં તબક્કાવાર કુલ રૂ. 236.50 કરોડની બજેટ જોગવાઇ કરાઇ છે.  નવી બનનાર 500 બેડની ચેપી રોગની હોસ્પિટલ તથા 900 બેડની જનરલ હોસ્પિટલમાં 300 બેડ આઇ.સી.યુ. અને સ્પેશિયલ રૂમ, વી.આઇ.પી. રૂમ મળી કુલ 2018 બેડ હોસ્પિટલ ઉપલબ્ધ થશે .અંદાજીત દસ માળની આ નિર્માણાધીન આ હોસ્પિટલમાં 555 ફોર વ્હીલર્સ અને 1000 ટુ વ્હીલર્સની ક્ષમતા ધરાવતું પાર્કીંગ, ચેપી રોગની અલાયદી ઓપીડી, ઓપરેશન થીયેટર તથા 115 બેડ જેમાં 15 બેડ ટી.બી I.C.U બેડ, 300 I.C.U બેડ પૈકી ચેપી રોગના 31 I.C.U , 60 આઇસોલેશન રૂમની સુવિધા ઉપલબ્ધ બનશે.

આ હોસ્પિટલમાં ન્યુમોનીયા, સેપ્શીસ, સ્થાનિક અને કોલેરા, એચ.આઇ.વી., ટાઇફોઇડ, ઝેરી કમળાના ટાઇપ એ અને ઇ, ઇન્ફ્લુએન્ઝા (સ્વાઇન ફ્લુ), હડકવા, કોવીડ-19, જાપાનીઝ એન્‍સેફેલાઇટીસ, ટ્યુબર ક્લોસીસ જેવી સ્થાનિક કે વૈશ્વિક મહામારીઓ , કોંગો ફીવર, ઇબોલા, ઝીકા વાયરસ, યલો ફીવર જેવા અતિ ગંભીર ચેપી રોગો , કૃમિ, વેકટર બોર્ન રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા પેરાસાઇટીક ઇન્ફેકશન , ફંગસ જેવા કે મ્યુકોરમાઇકોસીસ, એસ્પરઝીલોસીસ, હીસ્ટોપ્લાઝમોડીયા , મલ્ટીપલ ડ્રગ રેસીસ્ટન્‍સ વાળા દર્દીઓને બેક્ટેરિયા અને વાઈરસથી થતાં ચેપી રોગો જેવા વિવિધ ચેપી રોગોની સારવાર ઉપલબ્ધ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ મેડિસીટીના માસ્ટર પ્લાન તથા બજેટમાં મંજૂર થયેલ કામો પૈકી અત્યારસુધીમાં કુલ રૂ. 2590  કરોડના 35 કામો પૂર્ણ થયા છે તેમજ રૂ. 131  કરોડના 3 કામો પ્રગતિ હેઠળ છે અને રૂ. 739  કરોડના કામો શરૂ થનાર છે.  આમ  સિવિલ મેડિસીટી ડેવલપમનેન્ટમાં અત્યારસુધીમાં કુલ રૂ. 3460  કરોડના ખર્ચે અત્યાધુનિક સેવા-સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું મંત્રી  ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.