1. Home
  2. ગુજરાતી
  3. 2002 ગુજરાત રમખાણ: પીએમ મોદીને ક્લિનચિટને પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર સુનાવણી જુલાઈ સુધી પાછી ઠેલાઈ
2002 ગુજરાત રમખાણ: પીએમ મોદીને ક્લિનચિટને પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર સુનાવણી જુલાઈ સુધી પાછી ઠેલાઈ

2002 ગુજરાત રમખાણ: પીએમ મોદીને ક્લિનચિટને પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર સુનાવણી જુલાઈ સુધી પાછી ઠેલાઈ

0
Social Share

સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણ મામલે વડાપ્રધાન મોદી અને અન્ય આરોપીઓને સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આપવામાં આવેલી ક્લિનચિટને પડકારતી ઝાકિયા જાફરીની અરજી પરની સુનાવણી જુલાઈ માસ સુધી મુલતવી રાખી છે. આના પહેલા સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી માસના ત્રીજા સપ્તાહ સુધી સુનાવણીને સ્થગિત કરી હતી. આ મામલો 2002નો છે અને ત્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા.

ઝાકિયા જાફરી ભૂતપૂર્વ સાંસદ મરહૂમ એહસાન જાફરીના વિધવા છે. અહેસાન જાફરીનું ગુલબર્ગ કાંડમાં મોત નીપજ્યું હતું. ઝાકિયા જાફરીએ એસઆઈટીના નિર્ણય સામેની તેમની અરજીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા 5 ઓક્ટોબર-2017ના રોજ નામંજૂર કરવાના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને યતાવત રાખતા, એસઆઈટીનો ક્લોઝર રિપોર્ટ સ્વીકાર્યો હતો. આ પહેલા ઝાકિયા જાફરીએ 2014માં ગુજરાત હાઈકોર્ટમાં મેજિસ્ટ્રેરિયલ કોર્ટ દ્વારા એસઆઈટી રિપોર્ટને પડકારતી અરજી નામંજૂર કરવાના નિર્ણયને પડકારતી અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં ઝાકિયા જાફરીએ પોતાની અરજીમાં વિનંતી કરી છે કે અરજદારની આઠમી જૂન-2006ની ફરિયાદ અને રજૂ કરવામાં આવેલા પુરાવાના આધારે 15 એપ્રિલ-2013ના રોજ કરવામાં આવેલી પ્રોટેસ્ટ પિટિશનના મામલે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી)ની કલમ-173(8) હેઠળ સ્પેશયલ ઈન્વેસ્ટિગેશન ટીમને વધુ તપાસ કરવા માટે વચગાળાનો આદેશ આપવામાં આવે.

13મી ઓક્ટોબરે ખંડપીઠના જસ્ટિસ એ. એમ. ખાનવિલકર અને જસ્ટિસ દીપક ગુપ્તાએ કહ્યુ હતુ કે કોર્ટ અરજીની વિગતોમાં ગઈ નથી, તેથી આ મામલો 19 નવેમ્બરે હાથ ધરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે 28 ફેબ્રુઆરી-2002ના રોજ ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલામાં ગુલબર્ગ સોસાયટી ખાતે અહેસાન જાફરી સહીત 68 લોકોના મોત નીપજ્યા હતા. સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને આગ લગાડવાની ઘટનામાં 58 કારસેવકોના મોત બાદ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં રમખાણો સર્જાયા હતા. જેમા ગુલબર્ગ કાંડનો પણ સમાવેશ થતો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code