હિંમતનગર, 25 માર્ચ 2026: Endangered griffon vultures recorded in bird count સાબરકાંઠા વનવિભાગ દ્વારા પક્ષીવિદોના સહયોગથી પોળો જંગલમાં તાજોતરમાં બે દિવસીય પક્ષી ગણતરી કરવામાં આવી હતી. જેમાં લુપ્ત થઈ રહેલા ગીધની 3 પ્રજાતિ પૈકી 23 જેટલા ગિરનારી ગીધ જોવા મળ્યા હતા. આ પક્ષી સર્વે ફિલ્ડ સ્ટડીમાં 128 પ્રજાતિના અંદાજે 12,800 પક્ષીઓ પૈકી 12 પ્રજાતિના 2,300 જેટલા યાયાવર પક્ષીઓ મળ્યા હતા.
સાબરકાંઠા જિલ્લા વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પોળો જંગલમાં બે દિવસીય પક્ષી ગણતરી અને ફિલ્ડ સ્ટડી કાર્યક્રમમાં રાત્રે પક્ષી વૈજ્ઞાનિક અને સંશોધક ડૉ. ધવલ વર્ગીયા દ્વારા પક્ષી ગણતરી કરવાની શૈલીઓ, અભ્યાસ અને એકત્ર થયેલ માહિતીનું પૃથક્કરણ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, વિશે વિગતવાર ઓડિયો વિઝ્યુલ દ્વારા શિબિરાર્થીઓ અને પક્ષી નિરીક્ષકોને માહિતી અપાઇ હતી. પહેલવાન ચકલી જેને યેલો થ્રોટેડ સ્પેરો તરીકે ઓળખાય છે તેની વસ્તી પ્રમાણમાં વધુ મળી જે માળા બનાવવા માટે પોળોના જગલમાં એકત્ર થાય છે.
આ ઉપરાંત નિશાચર પક્ષીઓની 9 જાતો પણ નોંધાઈ હતી. શિકારી પક્ષીઓના માળા પણ જોવા મળ્યા હતા. કુલ 50 શિબિરાર્થીઓ, 30 વન કર્મચારીઓએ આ પક્ષી ગણતરીમાં ભાગ લીધો હતો. જેમાં પોળોના 20 રૂટ ઝોનમાં ગણતરી કરી હતી. જિલ્લા વન અધિકારી પરેશભાઈ ચૌધરીએ વન્યજીવનું મહત્વ, વનવિભાગની સંરક્ષણ અંગેની પદ્ધતિઓ અને કાર્યપ્રણાલી, વનવિસ્તારમાં લોક જાગૃતિ વિગેરે વિષય પર રજૂઆત કરી હતી.
સાબરકાંઠા જિલ્લા સહાયક વન સંરક્ષક વનરાજસિંહ ચૌહાણ દ્વારા પોળોનું વન્યજીવ રહેઠાણમાં મહત્વ વિશે જાણકારી આપી હતી. હિંમતનગરના પ્રકૃતિ અને પક્ષીપ્રેમી જીનલબેન પટેલે પક્ષીઓનું વ્યક્તિગત જીવનમાં મહત્વ વિશે માહિતી આપી હતી. ધોલવાણી પરિક્ષેત્ર વન અધિકારી જયેન્દ્રસિંહ વાઘેલાએ આભારવિધિ કરી હતી.

