
અમદાવાદના આનંદનગરની ઝુંપડપટ્ટીમાં આગ લાગતા 25 ઝૂંપડા બળીને ખાક
અમદાવાદઃ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી નજીક સામેના ખાચામાં આવેલા ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં 12થી વધુ ઝૂંપડાંમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની 15 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. એમ્બ્યુલન્સ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા થોડીઘણી આગ કાબૂમાં આવી છે. આ દુર્ઘટનામાં 25 જેટલા ઝૂંપડાં બળીને ખાક થઈ ગયાં હતા
શહેરના ફાયરબ્રીગેડના સૂત્રોના જણાવ્યા મુજબ આનંદનગર વિસ્તારમાં વેજલપુર રેલવે ક્રોસિંગથી સીમા હોલ તરફ જતા રસ્તા પર આવેલી ઝુંપડપટ્ટીમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં ફાયરબ્રીગેડનો કાફલો દોડી આવ્યો હતો. ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા લોકોને દૂર કરવામાં આવી રહ્યા હતા. આગ વધુ ભીષણ લાગતાં વધુ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી.
ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો. આસપાસનાં મકાનોમાંથી લોકોએ પોતાની ઘરવખરી, સામાન, ગેસના બાટલા કાઢી દૂર કર્યા હતા. ઝૂંપડાં સમગ્ર બળીને ખાક થઈ ગયાં છે. આગને જોવા માટે લોકોના ટોળાં જામ્યા હતા. પોલીસ વિભાગ ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા જોકે આગમાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. આગ ક્યા કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે.