રાજ્યમાં નવા સત્રથી ધો. 1થી 10માં ભણતા વિદ્યાર્થીઓને એક માસનો બ્રિજ કોર્સ કરવો પડશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે પરીક્ષા નહીં લઈ શકાતા સરકારે 10 મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. પરંતુ હવે આ નિર્ણયને કારણે ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓને ફરીવાર એક નવો કોર્સ કરવો પડશે. રાજ્યમાં 7 જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ સાથે ધો.1થી 10ના વિદ્યાર્થીઓ માટે એક માસનો બ્રિજ કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ જે ધોરણમાં ભણતા હોય તેના પાછલા ધોરણના અભ્યાસક્રમને સમાવી બ્રિજ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજ કોર્સ માટેનું સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓને એક મહિના માટેનો બ્રીજ કોર્સ તૈયાર કરાયો છે. જેનું સાહિત્ય વિદ્યાર્થીઓને 7 જૂન સુધીમાં પહોંચાડવામાં આવશે. બ્રિજ કોર્સ અંગે શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવશે. બ્રિજ કોર્સ પૂર્ણ થયા બાદ શિક્ષકો દ્વારા ચકાસણી કરાશે અને વિદ્યાર્થીઓના અભ્યાસની બાબતો જાણી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ અંતર્ગત અધ્યયન કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર શિક્ષા, જીસીઈઆરટી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિરનાર, બાયસેગની વંદે ગુજરાત ચેનલ, યૂટ્યૂબ, વોટ્સએપ, ગુજરાત વર્ચ્યુઅલ શાળા તેમજ ઘરે શીખીએ સાહિત્યના માધ્યમથી હોમ લર્નિંગ કાર્યક્રમ ચલાવવામાં આવ્યો હતો. રાજ્યમાં 7 જૂનથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થશે.
રાજ્ય સરકાર દ્વારા આ નવા શૈક્ષણિક સત્રમાં શરૂઆતમાં એક માસ દરમિયાન જ્ઞાનસેતુ સાહિત્યનું અધ્યયન કાર્ય કરાવવામાં આવશે. જૂન-2021થી વિદ્યાર્થીઓ જે ધોરણમાં પ્રવેશ મેળવશે તે ધોરણના પુર્વના એટલે કે પાછળના ધોરણનો અભ્યાસક્રમ બ્રિજ કોર્સ સ્વરૂપે તેમજ ચાલુ વર્ષના ધોરણના અભ્યાસક્રમને સમજવા સંબંધિત ધોરણના લર્નિંગ આઉટકમની સમજનો સમાવેશ કરી બ્રિજકોર્સ ક્લાસરેડીનેસ જ્ઞાનસેતુ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે. બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાનસેતુ સાહિત્ય ધો.1 માટે શાળા તાત્પરતા, ધો.2, 3 માટે વર્ગ તાત્પરતા, ગુજરાતી, ગણિત, ધો.4થી 9 માટે ગુજરાતી, ગણિત અને અંગ્રેજી તેમજ ધો.10 માટે ગુજરાતી, ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ કેજીબીવી, મોડલ, મોડલ ડે, આશ્રમ શાળાઓના ધો.1થી 10ના વિદ્યાર્થીઓને આ સાહિત્ય ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા 7 જૂન, 2021 સુધીમાં પહોંચાડવામાં આવશે. આ સાહિત્યની સોફ્ટકોપી સમગ્ર શિક્ષા કચેરીની વેબસાઈટ પર પણ મુકવામાં આવનાર છે.
7 જૂનથી 9 જૂન દરમિયાન ધો.1થી 10 શિક્ષકો માટે બ્રિજકોર્સ અંગેની તાલીમનું આયોજન બાયસેગ અને એમએસ ટીમ્સ મારફતે જીસીઈઆરટી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સહયોગથી કરવામાં આવશે. 10 જૂનથી સમગ્ર રાજ્યમાં ધો.1થી 10ના વિદ્યાર્થીઓને એક માસ માટે આ બ્રિજકોર્સ મટિરિયલનો ઉપયોગ કરી અધ્યયન કાર્ય કરાવવામાં આવશે. ધો.1થી 10ના વિદ્યાર્થીઓએ આ મટિરિયલના અધ્યયન કાર્યમાં ગત વર્ષના પાઠ્ય પુસ્તકોનો પણ ઉપયોગ કરવાનો રહેશે.