 
                                    અમદાવાદઃ શહેરમાં છેલ્લા ચાર દિવસથી કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શનિવારે તો શહેરનું મહત્તમ તાપમાન 45 ડિગ્રીએ પહોંચી ગયું હતુ. ગરમી વધવાને લીધે શહેરમાં પાણીના વપરાશમાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરા પાડવામાં આવતાં રોજિંદા પૂરવઠામાં 25 મિલિયન લિટર (એમએલડી)નો વધારો થવા પામ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં હજી પણ પાણીની સમસ્યા છે. કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી અને પૂરતા સમય સુધી પાણી ન મળતી હોવાની ફરિયાદો ઉઠી છે.
અમદાવાદ શહેરમાં તાપમાન વધતા શહેરીજનોમાં પાણીનો વપરાશ વધ્યો છે. શહેરીજનોને પાણીનો પુરતો પુરવઠો મળી રહે તા માટે એએમસીના સત્તાધિશો પ્રયાસો કરી રહ્યા છે. દરમિયાન વોટર સપ્લાય કમિટી ચેરમેન જતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા માટે કોતપુર, જાસપુર અને રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતાને વધારવામાં આવી છે. નવા વિસ્તારોમાં પીવાનાં પાણીની પાઇપલાઇનો નાખવાની કામગીરી પણ પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે. શહેરના કેટલાક વિસ્તારો અને નવા મર્જ થયેલા વિસ્તારોમાં પીવાનુ પાણી પૂરતા પ્રેશરથી ન મળતુ હોય તેવી ફરિયાદોનાં નિકાલ માટે વર્ષો જુની લાઇન બદલવાની અને નવી નાખવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વોટર કમિટીના ચેરમેને ઉમેર્યું હતું કે, શહેરમાં ઉનાળાની સિઝન શરૂ થતાં ગરમીનુ પ્રમાણ વધ્યુ છે. હાલ હિટવેવનો અનુભવ થઇ રહ્યો છે, તેના કારણે સમગ્ર શહેરમાં પાણીનો વપરાશ વધી ગયો છે. સાતેય ઝોનમાં સરેરાશ 1490 એમએલડી જેટલુ પાણી પૂરૂ પાડવામાં આવે છે, પરંતુ ગરમીના કારણે પાણીની માગ અને ઉપયોગમાં વધારો થતાં કોતરપુર, જાસપુર અને રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પૂરેપૂરી ક્ષમતાથી ચલાવીને દરરોજ 1520 એમઅએલડી પાણી પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીની સરખામણીએ હાલ હિટવેવના કારણે વધારાનું પાણી પૂરૂ પાડવામાં આવી રહ્યું છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

