
રાણપુરના પાંજરાપોળમાં કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય, છેલ્લા 40 દિવસમાં 250 પશુઓનાં મોત
બોટાદઃ ચોમાસા દરમિયાન વરસાદને લીધે પશુઓની હાલત દયનીય બનતી હોય છે. જેમાં પાંજરાપોળોમાં પુરતા પ્રમાણમાં શેડ ન હોવાથી વરસાદમાં પશુઓની હાલત કફોડી બનતી હોય છે. બોટાદ જિલ્લાના રાણપુરમાં આવેલી પાંજરાપોળમાં 1500 જેટલા નાના-મોટા પશુઓ છે. છેલ્લા કેટલાય દિવસથી સમયાંતરે પડી રહેલા વરસાદને કારણે પાંજરાપોળમાં પાણી ભરાઈ ગયા છે. તેના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેને કારણે પાંજરાપોળમાં જ કાદવ-કીચડ થર જામી ગયા છે. ઘાસચારો પણ ભીજાઈ ગયો હોવાથી પશુઓ ગંદકી અને ભૂખને કારણે સબડી રહ્યા છે. છેલ્લા 40 દિવસમાં 250 પશુઓના મોત નિપજતા પશુપ્રેમીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. જે કે હાલ પાંજરાપોળમાં પાણીના નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાણપુરના પાંજરાપોળમાં વરસાદને લીધે કાદવ-કીચડના થર જોવા મળી રહ્યા છે. પશુઓ દિવસ-રાત કાદવ-કીચડમાં બેઠેલા રહે છે, પાણી અને કાદવ-કીચડને કારણે ઘાસચારો પણ ભીંજાઈ ગયેલો છે. એટલે પશુઓને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. ગંદકીને કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે. રાણપુર ગામના સરપંચે જણાવ્યુ હતુ કે, પાંજરાપોળમાં 500 પશુઓની કેપિસેટી હોવાની સામે 1500 જેટલા પશુઓ છે. ગામ લોકો અને સરપંચના કહેવાથી સંસ્થા પશુઓ લે છે. પશુઓના મોત નિપજતા તાલુકા વિકાસ અધિકારીએ પાંજરાપોળની મુલાકાત લીધી હતી. પશુઓ પાણીમાં રહેતા હોવાથી રોગચાળો ફેલાયો હતો. પાંજરાપોળના કર્મચારીઓના કહેવા મુજબ લોકો અહીંયા બીમાર-ઇજાગ્રસ્ત પશુઓ પણ મૂકી જાય છે. તેને લઈ પણ આ ઘટના બની શકે. વરસાદ સતત ધીમો પડ્યો એટલે કાદવ કીચડ થયો છે. અત્યાર સુધીમાં પહેલીવાર આટલા બધા પશુઓના મોતની ઘટના બની છે.
રાણપુર પાંજરાપોળના ટ્રસ્ટી રાજુભાઈએ જણાવ્યુ હતુ કે, ‘700 જેટલા પશુઓની કેપેસિટી છે અને 1500 પશુઓ રાખવામાં આવ્યા છે. અહીંયા ઈજાગ્રસ્ત અને બીમાર પશુઓ લોકો મૂકવા આવતા હોય છે અને વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. જેને કારણે કાદવ-કીચડ થતા પશુઓના મોત નીપજ્યા હોવાની આશંકા છે. અહીંયા ડોકટર પણ બોલાવીએ છીએ, સમયસર પશુઓની સારવાર પણ કરાવી છીએ.