Site icon Revoi.in

વેરાવળ બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લાગતા 2500 બોટ સમુદ્રકાંઠે લાંગરી

Social Share

વેરાવળઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વાતાવરણમાં પલટો આવતા વેરાવળ બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જેના પગલે વેરાવળની નાની મોટી 5 હજારથી વધુ બોટો પૈકી મોટા ભાગની બોટો પરત ફરી ચૂકી છે અને જે નથી પરત ફરી તે અન્ય બંદરો પર લાંગરી દેવામાં આવી છે. હાલ સમુદ્ર કિનારે 2500થી વધુ બોટ લાગરવામાં આવી છે. જેને પગલે માછીમારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે માછીમારોએ સરકાર પાસે સહાયની માગણી કરી છે.

હવામાનની વિષમ પરિસ્થિતિના લીધે માછીમારોને નુકસાની વેઠવી પડે છે. સમુદ્રમાં વારંવાર વાવાઝોડાની સ્થિતિને લીધે માછીમારો દરિયો ખેડવા જઈ શક્તા નથી.માછીમાર આગેવાનો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.માછીમાર આગેવાનોનું કહેવું છે કે ફિશીંગ માટે જ્યારે બોટ મોકલવામાં આવે છે ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે અને જ્યારે આવી ખરાબ હવામાન જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે એકા એક બોટ પરત બોલાવવામાં આવે છે ત્યારે નુકસાની વેઠવી પડે છે. સરકારે ખેડૂતોની જેમ સાગરખેડૂઓને પણ વળતર ચૂકવવું જોઈએ તેવી પણ માંગ માછીમારો દ્વારા કરવામાં આવી છે.

બોટ એસોના આગેવાનોના કહેવા મુજબ દરિયાઈ વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી વાતાવરણમાં પલટો આવતા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવતા મોટા ભાગની બોટો પરત બોલાવી લેવામાં આવી છે અને બાકીની બોટો મહારાષ્ટ્ર તેમજ સૌરાષ્ટ્રના અન્ય બંદરો પર લાંગરી દેવામાં આવી છે. સીઝન ચાલુ થઈ તેને 2 મહિના જ થયા છે અને આવી પરિસ્થિતિ 3 થી 4 વખત સર્જાય છે.જેને પગલે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.