Site icon Revoi.in

વડોદરામાં સીસીટીવી, ટ્રાફિક સિગ્નલો, વગેરેની બેટરી ચોરતા 3 રિઢા આરોપીઓ પકડાયા

Social Share

વડોદરાઃ શહેરમાં જાહેર રસ્તાઓ પર લાગેલા સીસીટીવી, ટ્રાફિકના સિગ્નલો, એલઈડી સ્ક્રીન વગેરેની બેટરીઓની ચોરીના બનાવો વધતા શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરીને ત્રણ રિઢા આરોપીઓને પકડી પાડ્યા હતા. આરોપીઓએ ચોરી કરેલી 216 બેટરીઓ સાથે મળીને કુલ 12 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને 13 ગુનાઓ ડીટેકટ કર્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ટેકનીકલ, હ્યુમન સોર્સ તેમજ સી.સી.ટી.વી ફુટેજની તપાસ દરમિયાન બેટરી ચોરીઓના ગુનામા બે શંકાસ્પદ આરોપીઓ ઓટોરિક્ષામાં બેટરી ચોરી કરવાના ગુના આચરતા હોવાનુ જણાઇ આવ્યું હતું. આ શંકાસ્પદ જણાઇ આવેલા શખસોની તપાસ દરમિયાન મેન્ટર પ્રોજેક્ટના પોલીસ કર્મચારીઓ દ્વારા અગાઉ ચોરી કરવાવાળા આરોપીઓ જેઓ રિક્ષા ચલાવતા હોય તેઓની માહિતી મેળવતા અગાઉ મિલ્કત સંબધી ગુનાઓમાં પકડાયેલા આરોપી યાસીન ઉર્ફે મુરીદ ઇસ્માઇલભાઇ પઠાણ શંકાસ્પદ જણાયો હતો, જેથી તેની તપાસ કરતા રાત્રીના સમયે ઘરે જણાઇ ન આવતા તેના પર વધુ શંકા ગઈ હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ શંકાસ્પદ જણાઇ આવેલા આરોપીઓ અંગે સતત તપાસ દરમિયાન ટીમને બાતમીદારથી બાતમી મળેલી કે, અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો યાસીન ઉર્ફે મુરીદ પઠાણ, ઝહિર ઉર્ફે કાલીયો મલેક બેટરીઓ લઇને આગળ નંબર વગરની ઓટોરિક્ષા લઇને અકોટા ગામથી તાંદલજા તરફ જાય છે. આ શખસો પાસેની બેટરીઓ ચોરીની શંકાસ્પદ છે એવી બાતમીના આધારે રૂટની ટીમના માણસોએ અકોટા ખાતે વોચ ગોઠવી. આ દરમિયાન માહિતી મુજબની ઓટોરિક્ષા આવતા ઓટોરિક્ષાને કોર્ડન કરી હતી અને ઓટોરિક્ષામાં ચાલક ઝહિર ઉર્ફે કાલીયા હુશૈનભાઇ મલેક, યાસીન ઉર્ફે મુરીદ ઇસ્માઇલ મલેક મળી આવ્યા હતા. ઓટોરિક્ષામા જુદી-જુદી કંપનીની નાની-મોટી સાઇઝની બેટરી (દોઢ લાખની કિંમતની 30 બેટરીઓ) મળી આવી હતી.

પોલીસે  બંન્ને આરોપીની સઘન પૂછપરછ કરતા એવી વિગતો મળી હતી કે, છેલ્લા એક માસ દરમિયાન વડોદરા શહેરમાં જુદી-જુદી જગ્યાએ જાહેર રોડ ઉપર લગાડેલા એલ.ઇ.ડી સ્ક્રિન, ટ્રાફિક સિગ્નલ, સી.સી.ટી.વી કેમેરાના પોલમાં લગાડેલી પેટીમાંથી બેટરી ચોરી કરતા હતા,  ગુના આચરવા તેઓ પાસેની ઓટોરિક્ષાનો ઉપયોગ કરેલાનું તેમજ તેઓ પાસેથી મળેલી બેટરીઓ ચોરીની હોવાની અને કેટલીક ચોરી કરેલી બેટરીઓને ભંગારમાં વેચી દીધી હોવાની કબૂલાત કરી હતી. પોલીસને  તપાસ દરમિયાન બંને આરોપીઓ દ્વારા ચોરી કરી વેચેલી કુલ 147 બેટરીઓ કબજે કરવામાં આવી હતી. આમ આ બન્ને શખસો દ્વારા ચોરી કરેલી કુલ 177 બેટરીઓ જપ્ત કરી હતી. આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પપ્પુભાઈ લાખાભાઈ દેવીપુજકને ચોરીની 10 બેટરી સાથે ઝડપી પાડ્યો હતો. તેમજ આરોપીએ ઇસમે ચોરી કરી જુદા-જુદા વ્યક્તિઓને આપેલી વધુ 29 બેટરી શોધીને કબજે કરવામાં આવી હતી.