Site icon Revoi.in

નેટ બેન્કિંગ ખાતાને હેક કરીને 19 લાખથી વધુના ફ્રોડ કેસના 3 આરોપીને દબોચી લેવાયા

Social Share

રાજકોટ, 16 માર્ચ 2026: Net banking account hacked,  ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. ત્યારે રાજકોટમાં ફરિયાદીના નેટ બેન્કિંગ ખાતાને હેક કરીને સાયબર માફિયાઓએ 19.99.400 ટ્રાન્સફર કરી દીધા હતા. આ ગુનાનો ભેદ ઉકેલવામાં સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓને ઝડપી લઈ રૂ. 7,44,400 ની રકમ રિકવર કરી છે. હાલ પોલીસે બાકીની રકમ રિકવર કરવા સહિતના મામલે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી હતી કે, રાજકોટમાં ભેજાબાજ સાયબર માફિયાઓએ ફરિયાદીના બેંક ખાતાને નેટ બેન્કિંગના માધ્યમથી હેક કરી લીધું હતું. અને કોઈને ગંધ સુધ્ધાં ન આવે તે રીતે ટેકનોલોજીનો દુરુપયોગ કરી, આ ઠગબાજોએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ખાતામાંથી રૂ. 19,99,400ની મત્તા સેરવી લીધા હતા. જ્યારે ફરિયાદીને આ બાબતની જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા, 2023 અને આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.  પોલીસની તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને ખાનગી બાતમીદારોની મદદથી આ મામલે 3 શખ્સોના લોકેશન ટ્રેસ કરવામાં આવ્યા હતા. પોલીસની અલગ-અલગ ટીમોએ દરોડા પાડીને ઊના અને રાજકોટના વિસ્તારોમાંથી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં 43 વર્ષીય વિનોદભાઈ તારાચંદ ભોજવાણી (રહે. ઊના, જી. ગીર સોમનાથ), 24 વર્ષીય યશભાઈ પ્રફુલભાઈ જાદવ (રહે. વર્ધમાન નગર, રાજકોટ) અને 20 વર્ષીય મહમ્મદદાનિશ મોહમ્મદસિદ્દિક સિપાઈ (રહે. બાપુનગર, રાજકોટ) નો સમાવેશ થાય છે.

પોલીસની પૂછતાછમાં આરોપીઓએ ચોંકાવનારા ખૂલાસા કર્યા છે. જેમાં વિનોદ ભોજવાણી નામના આરોપીના ખાતામાં ફ્રોડના નાણાં જમા થતા હતા અને તે નાણાં ઉપાડીને અન્ય સુધી પહોંચાડતો હતો. જ્યારે યશભાઈ જાદવ નાણાંની હેરફેરીમાં મદદ કરવા બદલ કમિશન મેળવતો હતો. મહમ્મદદાનિશ પણ આ નાણાંની લેવડદેવડમાં સક્રિય રીતે સંકળાયેલો હતો અને તેને આ છેતરપિંડીના નાણાંમાંથી હિસ્સો પણ મળ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે પ્રાથમિક તબક્કે રૂ. 7,44,400 રિકવર કર્યા છે અને ટોળકીના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરી છે.

Exit mobile version