દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરનો વિકાસ માત્ર 3 પરિવારોએ અટકાવ્યો હતો અને 70 વર્ષ સુધી જમ્મુ-કાશ્મીરની પ્રજાને વિકાસથી વંચિત રાખ્યો હતો. એટલું જ નહીં આ પરિવારે 70 વર્ષ સુધી લોકતંત્રને અટકાવ્યું હતું. જો કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરની પ્રજા સુધી લોકતંત્રને પહોંચાડ્યું છે. એટલું જ નહીં કાશ્મીરની જનતાને જે જોઈએ છીએ તે વર્ષ 2024 સુધીમાં પુરુ પાડવા માટે કેન્દ્ર સરકાર મકકમ છે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું, અમિત શાહ 3 દિવસના જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે કાશ્મીરના અધિકારીઓ અને યુવાનો સાથે બેઠક કરી હતી.
જમ્મુ-કાશ્મીરમાં જનતાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમે યુવાનો સાથે વાત કરવા માંગીએ છીએ. ઘાટી, જમ્મી અને લદાખનો વિકાસ કરવામાં આવે છે. કાશ્મીરની જનતાને જે જોઈએ છીએ તે 2024 સુધી પુરી પાડવામાં આવશે. દીલમાંથી ડર નીકાળી નાખો, કાશ્મીરની શાંતિ અને વિકાસમાં કોઈ અડચણ નહીં ઉભી કરી શકે. આવી અડચણો ઉભી કરનારાઓની નિયત સાફ નથી. આવા લોકો કાશ્મીરના યુવાનોને ગુમરાહ કરે છે. આ દેશ ઉપર જેટલો મારો અધિકાર છે એટલો જ કાશ્મીરની જનતાનો અધિકાર છે. મારો હાથ યુવાનો સાથે દોસ્તી માટે લંબાવાયો છે. વડાપ્રધાનના દિલમાં કાશ્મીર છે. જમ્મુ-કાશ્મીરનો વિકાસ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે.
ગૃહમંત્રી અમિત શાહે સોમવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, અત્યારે અનેક સુફી-સંતોને મળી આવ્યો છું. કાશ્મીરે સમગ્ર ભારતને સુફીઝમની ભેટ આપી છે. હું સુફી-સંતોને મળીને આવ્યો છે. કાશ્મીરના યુવાનોના હાથમાં જેમણે પથ્થર પકડાવ્યાં તેમણે શું કરાવ્યું, હથિયાર પકડાવ્યાં તેમણે શું આપ્યું, કેટલાક લોકો પાકિસ્તાનની વાત કરે છે. કાશ્મીરની જનતાનો દેશ ઉપર તમામ નાગરિકો જેટલો જ અધિકાર છે. 3 પરિવારોએ 70 વર્ષ કાશ્મીરમાં શાસન કર્યું છે. 70 વર્ષ સુધી કાશ્મીરના યુવાનો અને મહિલાઓને ચુંટણી લડવાનો કેમ અધિકાર ના અપાયો તેવો સવાલ પૂછવા માંગુ છું. આ ત્રણ પરિવારોએ મહત્વની જગ્યાઓ ઉપર પોતાના આસપાસના લોકોને જ સરપંચ અને તાલુકા-જિલ્લાપંચાયતના સભ્યો બનાવ્યાં છે. 70 વર્ષ સુધી આ પરિવારો લોકતંત્રને રોકી રાખ્યું હતું. પરંતુ મોદીએ જનતા સુધી પહોંચાડ્યું છે. 70 વર્ષ સુધી ઘાટીની માતાઓ સુધી ગેસનો સિલિન્ડર ન હતો પહોંચ્યો પરંતુ આ પહોંચી રહ્યાં છે. તમામ ઘરોમાં વીજળી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉની સરકારના નેતાઓ 12 મહિનામાં છ મહિના લંડન જતા રહેતા હતા. જમ્મુ-કાશ્મીરમાં લગભગ 20 હજાર ગરીબ પરિવારોને આવાસ મળ્યાં છે. આગામી દિવસોમાં તમામ લોકો પાસે પોતાનું ઘર હશે. તમામ ઘરે નળ મારફતે શુદ્ધ પીવાનું પાણી પુરુ પાડવાનું આવશે. કાશ્મીરમાં સેહત યોજના હેઠળ દરેક પરિવારની સારવાર માટે રૂ. 5 લાખ સુધીની સહાય કરવામાં આવે છે. ફારૂખ અબદુલ્લા અને મહેબુબા મુફ્તિએ 70 વર્ષ સુધી તમામ કાશ્મીરીઓની સારવારની કોઈ ચિંતા કેમ ના કરી તેવો સવાલ પણ કર્યો હતો. આ તમામ લોકો કાશ્મીરની જનતાને ગુમરાહ કરી રહ્યાં છે. ભ્રષ્ટાચાર નાબુદ કરવા માટે વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં સૌથી પહેલા કોરોના રસીકરણ હેઠળ 100 ટકા રસીકરણ કરાયું હતું.