Site icon Revoi.in

વડોદરામાં ઘરફોડ ચોરી કરતી દાહોદની ગેન્ગના 3 સાગરિતો પકડાયા, 6 ગુનાનો ભેદ ઉકેલાયો

Social Share

વડોદરા, 7 જાન્યુઆરી 2026: 3 members of Dahod gang involved in house burglary arrested in Vadodara  શહેરમાં રાત્રી દરમિયાન બંધ મકાનોને નિશાન બનાવીને ચોરી કરતી દાહોદની ગેંગના ત્રણ આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓની પૂછતાછમાં વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં બનેલા કુલ 6 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે, જ્યારે 16.01 લાખ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં રાત્રીના સમયે બનેલી ઘરફોડ ચોરીની ઘટનાઓના CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન દાહોદના રીઢા આરોપીઓ તેમજ વડોદરામાં રહેતા કેટલાક સ્થાનિક ઇસમો શંકાના દાયરામાં આવ્યા હતા. અંગત બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ માહિતીના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરિનગર બ્રિજ નીચેના વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ત્યાં એક ઓટોરિક્ષા અને બાઇક સાથે ઊભેલા ત્રણ ઇસમોને કોર્ડન કરી પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ જયંતિભાઇ રમેશભાઇ મંડોર, વિશાલભાઇ માધુભાઇ ડામોર તેમજ રાજેશભાઇ રમેશભાઇ નીનામા તરીકે થઈ છે. ત્રણેય મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વતની છે અને હાલ વડોદરા શહેરમાં રહે છે.

પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સઘન પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓ દાહોદના રીઢા આરોપીઓ સાથે મળીને વડોદરામાં અગાઉથી રેકી કરી હતી. બંધ મકાનો તેમજ CCTVની ખાતરી કરીને મોડી રાત્રે ઓટોરિક્ષા કે બાઇક પર આવીને ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. ચોરેલા સોના-ચાંદીના દાગીના દાહોદમાં વેચી દેવામાં આવતા હતા. આરોપીઓ પાસેથી 2 સોનાની તેમજ 2 ચાંદીની રીંગ, એક ઓટોરિક્ષા, એક મોટરસાઇકલ તેમજ 3 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 16,01,118નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ગોત્રી, અટલાદરા અને અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

Exit mobile version