પટનાઃ બિહારના બક્સર જિલ્લામાં રેતીના ધંધા અંગે ઘણા દિવસોથી ચાલી રહેલા સંઘર્ષે હિંસક વળાંક લીધો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ થયો હતો. અંધાધૂંધ ગોળીબારને કારણે 3 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. આ ગોળીબારમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ગોળીબારમાં ગંભીર રીતે ઘાવયલ બંને વ્યક્તિઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોની ઓળખ અહિયાપુર નિવાસી સુનિલ સિંહ (ઉ.વ. 40) , વિનોદ સિંહ અને વીરેન્દ્ર સિંહ તરીકે થઈ છે. જ્યારે 40 વર્ષીય પુજન સિંહ અને 35 વર્ષીય મન્ટુ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયરિંગની તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રસ્તાના કિનારે વેચાણ માટે રેતી નાખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. સુનિલ સિંહ પાસે પહેલાથી જ અહિયાપુરની સામે મુખ્ય રસ્તા પર રેતીની દુકાન ચાલી રહી હતી. પરંતુ તે જ ગામના મનોજ અને તેના ભાઈ સંતોષે સુનિલની રેતીની દુકાન પાસે રેતી નાખી હતી. આ બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સુનિલ પહેલેથી જ મનોજને નજીકમાં દુકાન ખોલવાની મનાઈ કરી રહ્યો હતો.