Site icon Revoi.in

સસ્તા સોનાની લાલચ આપીને લોકોને છેતરતા 3 રાજસ્થાની શખસો પકડાયા

Social Share

અમદાવાદઃ કહેવત છે ને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે, સસ્તા ભાવનું સોનું આપવાની લાલચ આપીને ઠગવાના બનાવો વધતા જાય છે. ખોદકામ દરમિયાન સોનાના સિક્કા મળ્યા છે. કહીને એકાદ બે સિક્કા ખરાઈ કરવા માટે આપીને મોટો સોદો કરીને નકલી સિક્કા પધરાવી દેનારા ત્રણ શખસોની ગેન્ગને પોલીસે દબોચી લીધી છે. પોલીસે આરોપી પાસેથી 12 પીળા મણકા, 9 પીળી ધાતુની ચેઈન, રોકડા રૂ.3 લાખ કબજે કર્યા છે. ત્રણેય આરોપીઓ રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે.

ખોદકામ દરમિયાન સોનું મળ્યું હોવાથી સસ્તામાં સોનું વેચવાનું કહીને વેપારીઓ પાસેથી પૈસા પડાવી નકલી સોનું પધરાવીને પૈસા પડાવતી રાજસ્થાનની ગેંગના ત્રણ શખસોની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓએ અમદાવાદના સાબરતમી વિસ્તારના વેપારીને 120 ગ્રામની રૂ.12 લાખની સોનાની ચેઈન રૂ.6 લાખમાં આપવાનું કહીને પૈસા પડાવી નકલી ચેઈન પધરાવી હતી. જ્યારે આરોપીઓ પકડાયા ત્યારે તેમની પાસેથી 12 પીળા મણકા, 9 પીળી ધાતુની ચેઈન, રોકડા રૂ.3 લાખ મળી આવ્યા હતા.

ઝોન – 2 ડીસીપીની સ્વોર્ડના સૂત્રોના કહેવા મુજબ  થોડા દિવસ પહેલા શહેરના સાબરમતીના એક વેપારીને રૂ.12 લાખની કિંમતની સોનાની ચેઈન રૂ.6 લાખમાં આપવાનું કહીને 2 માણસોએ રૂ.6 લાખ પડાવી લીધા હતા. આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. બાતમીના આધારે તેમણે ઝોન – 2 એલસીબીની ટીમને કલોલ મોકલી હતી. જેમાં ગંગારામ મુંગીયા, બાબુલાલ વાઘેલા અને પન્નારામ ડાભીનો સમાવેશ થાય છે. આરોપીઓએ 2 વર્ષ પહેલા ચાંદખેડામાં આ જ રીતે એક વ્યક્તિને સસ્તામાં સોનું આપવાનું કહીને પૈસા પડાવ્યા હતા. જ્યારે આરોપીઓએ અત્યારસુધીમાં સુરત, બનાસકાંઠા, ઊંઝામાં ગુના આચર્યા હતા. પોલીસે જ્યારે તેમની ધરપકડ કરી ત્યારે તેમની પાસેથી સોના જેવી લાગતી પીળી ધાતુના 12 મણકા, સોના જેવી લાગતી પીળી ધાતુના મણકા વાળી 9 ચેઈન, રોકડા રૂ.3 લાખ 4 મોબાઈલ ફોન અને ગાડી મળીને કુલ રૂ.4.33 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, એક વ્યક્તિને છેતર્યા બાદ સીમકાર્ડ તોડી ફેંકી દેતા હતા. ટોળકી જે પણ વ્યક્તિને ટાર્ગેટ કરવાનો હોય તેને સેમ્પલ સોનાના અસલી સિક્કા બતાવતા હતા. પરંતુ ડિલિવરી આપવાની હોય ત્યારે નકલી મણકો અને ચેઈન પધરાવીને પૈસા પડાવી લેતા હતા. એક વ્યકિતને છેતર્યા બાદ તે સીમકાર્ડ તોડીને ફેંકી દેતા હોવાથી જલ્દી પકડાતા ન હતા.