Site icon Revoi.in

બાયડના નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર 3 યુવાનોના મોત

Social Share

મોડાસાઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે બાયડ તાલુકાના છાપરિયા ગામ નજીક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. બાઈક પર ત્રિપલસવારીમાં જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. અને ત્રણેયના મોત નિપજ્યા હતા. આ અકસ્માત એટલે ગંભીર હતો કે એક યુવકના શરીરના બે ટુકડા થઈ ગયા હતા.

બાયડ તાલુકાના છાપરિયા ગામ નજીક ગઈકાલે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અમરગઢ ગામના ત્રણ યુવકો બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારી હતી.  જેના લીધે બાઈકસવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. ટક્કર મારનાર વાહન કેટલી સ્પીડમાં હશે અને કેટલી રફ્તારમાં બાઈકને ટક્કર મારી હશે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, વાહન ટક્કર બાદ એક યુવકના શરીરના બે ટુકડા થઈ ગયા હતા.

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકો અમરગઢના રહેવાસી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરીને પલાયન થયેલા અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે.