Site icon Revoi.in

કચ્છના નાના રણમાં 34 નવા ચેકડેમ અને 20 તળાવો બનાવી નર્મદાનું પાણી અટકાવાશે

Social Share

સુરેન્દ્રનગરઃ કચ્છના નાનારણમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ઓવરફ્લો તવાથી તેના પાણી રણ વિસ્તારમાં ફરી વળતા હોય છે. તેના લીધે અગરિયાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે વર્ષોની માગ હવે સાકાર થઈ રહી છે. કચ્છના નાના રણમાં મીઠાના ઉત્પાદનને થતું નુકસાન અટકાવવા મોટી કામગીરી શરૂ કરવામાં આવી છે. સિંચાઈ વિભાગ 34 નવા ચેકડેમ અને  20 નવા તળાવ બનાવી રહ્યું છે. સાથે જ 28 જૂના ચેકડેમનું મરામત કાર્ય ચાલી રહ્યું છે.

નર્મદાનું પાણી કચ્છના નાના રણ વિસ્તારમાં ફરી વળતા 8500 અગરિયાઓની આજીવિકા જોખમમાં મુકાઈ હતી. આ સમસ્યાના નિવારણ માટે અગરિયા હિત રક્ષક મંચે માનવ અધિકાર આયોગમાં અપીલ કરી હતી. કચ્છનું નાનું રણ પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લાને સ્પર્શે છે. આ વિસ્તારની જમીન આસપાસના વિસ્તાર કરતાં નીચાણમાં છે. તેથી વરસાદી અને ભૂગર્ભ જળ તેમજ કેનાલના પાણી અગર વિસ્તારમાં પ્રવેશે છે. આના કારણે મીઠાના ઉત્પાદનને નુકસાન થાય છે. સરદાર સરોવર નર્મદા નિગમે આ સમસ્યાના સમાધાન માટે વિશેષ સમિતિની રચના કરી છે. નિગમના વહીવટી સંચાલક મુકેશ પૂરીના નેતૃત્વમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે નિયમિત બેઠકો યોજાય છે. નર્મદા નિગમ દ્વારા 434 કેનાલ-તળાવ જોડાણના કામો હાથ ધરાયા છે, જેમાંથી 80 કામો પૂર્ણ થયા છે. સિંચાઈ વિભાગ 34 નવા ચેકડેમ, 20 નવા તળાવ બનાવી રહ્યું છે. સાથે જ 28 જૂના ચેકડેમનું મરામત કાર્ય ચાલી રહ્યું છે.

વન વિભાગ પણ રણ કાંઠા વિસ્તારમાં 6 નવા તળાવ, 19 માટીપાળા અને 4 નવા ચેકડેમનું નિર્માણ કરી રહ્યું છે. બજાણા ગામથી દેગામ-સુલતાનપુર સુધી નવા માટીપાળાનું બાંધકામ અને જૂના માટીપાળાનું મરામત કાર્ય પૂર્ણ થયું છે. સરદાર સરોવર નિગમના સિનિયર એકઝીકયુટીવ નીતિન પટેલે જણાવ્યું કે, હાલમાં મીઠું પકવતા અગરીયા સમુદાય માટે વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરીનું અમારા દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે. જેમાં 434 તળાવોમાંથી 80 અને 38 એમ કુલ 118 તળાવોનું કામ પૂર્ણ થઇ ગયું છે. અને આ આખો પ્રોજેક્ટ 30 જૂન-2026 સુધી તમામ કામગીરી પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક છે.

આ અંગેની પ્રાપ્ત ચોંકાવનારી હકીકત મુજબ, આખા સુરેન્દ્રનગર જિલ્લાની ખેતીને આખું વર્ષ જેટલું પાણી જોઇએ એનાથી પણ વધારે નર્મદાનું પાણી દર વર્ષે રણમાં બેરોકટોક વેડફાઇ રહ્યું છે. આ અંગે લાગતા વળગતા તંત્રને અનેકો વખત રજૂઆત પણ અગરીયા સમુદાય દ્વારા કરવામાં આવી હતી.