- 9 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ થશે
- નવા વર્ષમાં 249 દિવસ શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે
- આગામી વર્ષે 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા લેવાશે
અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 1થી 12ની તમામ શાળાઓમાં આજથી ઉનાળાના વેકેશનનો પ્રારંભ થયો છે. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ તારીખ 9 જૂનથી 2025-26ના પ્રથમ શિક્ષણ સત્રનો આરંભ થશે. બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યા મુજબ નવા વર્ષમાં 249 દિવસ શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે અને આગામી વર્ષે 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. ઉનાળાના વેકેશનના આજથી પ્રારંભ સાથે વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે હરવા-ફરવાનો આનંદ માણશે.
ગુજરાતમાં તમામ પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આજથી 35 દિવસના ઉનાળું વેકેશનનો પ્રારંભ થયો છે. નવું શૈક્ષણિક સત્ર 9મી જુનથી શરૂ થશે. જે વિદ્યાર્થીઓ આવતા વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે, એવા ઘણા વિદ્યાર્થીઓએ ઉનાળું વેકેશન બેન્ચમાં ટ્યુશનનો પ્રારંભ શરૂ કરી દીધો છે. જ્યારે વેકેશનના પ્રારંભ સાથે ઘણ વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે ટુરમાં પણ ઉપડી ગયા છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા શૈક્ષણિક કેલેન્ડર મુજબ ધોરણ 10 અને ધોરણ 12 ની વર્ષ 2026માં લેવાનારી બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ દરમિયાન લેવામાં આવશે. જ્યારે ધોરણ 9 અને ધોરણ 11ની શાળાકીય પરીક્ષા તારીખ 9 એપ્રિલથી 26 એપ્રિલ 2026 દરમિયાન લેવામાં આવશે. વર્ષ 2025- 26માં શૈક્ષણિક કાર્ય માટે કુલ 249 દિવસ રહેશે તે પૈકી તારીખ 9 જૂનથી 15 ઓક્ટોબર દરમ્યાન 105 દિવસનું પ્રથમ શિક્ષણ સત્ર રહેશે ત્યારબાદ 15 ઓક્ટોબરથી 9 નવેમ્બર દરમિયાન 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. 6 નવેમ્બર 2025 થી 144 દિવસનું દ્વિતીય શિક્ષણક્ષેત્ર શરૂ થશે જે તારીખ ત્રણ મે 2026 સુધી ચાલશે અને ત્યારબાદ આગામી વર્ષ 2026માં તારીખ 4 મેથી 7 જુન દરમિયાન 35 દિવસનું ઉનાળો વેકેશન રહેશે આખા વર્ષ દરમિયાન બંને વેકેશનને બાદ કરતા 15 જાહેર રજાઓ ગણીએ તો 80 રજા મળશે.